<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

વડોદરાના સાવલી પંથકમાં 7 વર્ષની બાળકી પર નરાધમે હેવાનિયત આચરી: ભારે ફિટકાર

અમાનવીય કૃત્ય આચર્યા બાદ આરોપી ફરાર :સાવલી પોલીસે નરાધમ સામે ગુનો નોંધી આરોપીને પકડવા અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં માત્ર 7 વર્ષની એક નિર્દોષ માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો મળતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની પ્રાથમિક વિગત મુજબ, સાવલી તાલુકાના એક ગામમાં રહેતી 7 વર્ષની બાળકી જ્યારે એકલી હતી, ત્યારે એક નરાધમે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અમાનવીય કૃત્ય આચર્યા બાદ આરોપી પકડાઈ જવાની બીકે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાળકીની હાલત જોઈ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

સાવલી પોલીસે આ મામલાની ગંભીરતા સમજી તુરંત જ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર બાળકીને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સાવલી ખાતે દોડી આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાએ પંથકમાં મહિલા અને બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશો દ્વારા નરાધમને વહેલી તકે પકડી પાડી કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી રહી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસને વેગ આપી રહી છે

 

(10:58 PM IST)