<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ગાંધીનગર જીલ્લાના કલોલના બોરીસણા ગામે 20 વર્ષીય યુવકની હત્યા પ્રેમસંબંધના વહેમમાં થઈ'તી : ગણતરીના કલાકોમાં 5 આરોપી ઝડપાયા

ભાજપના પૂર્વ જિલ્લા સભ્યના પુત્ર સહિત મહિલા સામે ગુનો નોંધાયો : નાના ભાઈનો મોબાઈલ સગીરા પાસેથી મળતા વિવાદ - પેટમાં છરીના ઘા મારી યુવકનું ઢીમ ઢાળ્યું

ગાંધીનગર તા.૧૦ : કલોલ તાલુકાના બોરીસણા ગામમાં પ્રેમસંબંધના વહેમમાં 20 વર્ષીય યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં કલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, બોરીસણા ગામે રહેતા ઠાકોર પરિવારમાં નાના પુત્ર કરણનો મોબાઈલ ફોન ગામની જ એક સગીરા પાસેથી મળી આવ્યો હતો. આને લઈને બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા ઉઠતા કરણની માતા મિતલબેન અને મોટો ભાઈ 20 વર્ષીય રાકેશ ઉર્ફે લાલો ફોન પરત લેવા ગયા હતા, ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

 

ફરિયાદ મુજબ, મોડી રાત્રે સગીરાના મામા-મોસાળ પક્ષના લોકોએ રાકેશને બહાર બોલાવ્યો હતો. ત્યાં અમરતબેન, તેનો પુત્ર ભાવેશ બાલાજી ઠાકોર, જીતુ દિનેશજી ઠાકોર, કિશન વિષ્ણુજી ઠાકોર અને જયમીન નાયક સહિતના 5 લોકોએ રાકેશને ઘેરી લીધો હતો. આરોપ છે કે જીતુ, કિશન અને જયમીને રાકેશને પકડી રાખ્યો હતો અને ભાવેશે છરી વડે પેટમાં ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

 

આ હત્યાકાંડમાં ભાજપના પૂર્વ જિલ્લા સભ્યના પુત્રનું નામ પણ સામે આવતા ચકચાર મચી છે. કલોલ પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ 5 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

(4:24 PM IST)