News of Wednesday, 13th May 2026
મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું 13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે, વિધાનસભાની પેપરલેસ કામગીરી અને NeVA સિસ્ટમથી પ્રભાવિત
PAC અધ્યક્ષ મિયાની ડી. શીરા સહિતના સભ્યોએ ગૃહની ભવ્યતા, અત્યાધુનિક સુવિધાઓ, લાઈબ્રેરી અને ડિજિટલ પહેલનો અભ્યાસ કર્યો; આણંદ અમૂલ ડેરી સહિત વિકાસલક્ષી પ્રકલ્પોની પણ મુલાકાત લેશે

ગાંધીનગર, તા. 13 : મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ-PACના કુલ 13 સભ્યોનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ તા. 12 થી 15 મે, 2026 દરમિયાન ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે પધાર્યું છે. જે અંતર્ગત આજે તેમણે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી.
સંસદીય કાર્યપ્રણાલી અને ટેકનોલોજીનો અભ્યાસ મુખ્ય ઉદ્દેશ્ય
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત વિધાનસભાની સંસદીય કાર્યપ્રણાલી, વહીવટી માળખું, જાહેર હિસાબોની દેખરેખ અને આધુનિક ટેકનોલોજી થકી અપનાવવામાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરી પરસ્પર અનુભવોનું આદાન-પ્રદાન કરવાનો છે.
ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રીમતી મિયાની ડી. શીરા સહિત સભ્યોના પ્રતિનિધિ મંડળને ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધિકારીઓએ તેમને મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઈપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો માટેની પ્રેક્ષક ગેલેરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
'પેપરલેસ' કામગીરી અને NeVA સેવા કેન્દ્ર બન્યું મુખ્ય આકર્ષણ
ધારાસભ્યોના ઉપયોગ માટે કાર્યરત લાઈબ્રેરીની પણ તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં સંસદીય દસ્તાવેજો અને કાયદાકીય સંદર્ભ ગ્રંથોના સંગ્રહની પ્રશંસા કરવામાં આવી હતી.
આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ગુજરાત વિધાનસભાની 'પેપરલેસ' કામગીરી અને ડિજિટલ પહેલ રહી હતી. પ્રતિનિધિ મંડળે 'નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન' (NeVA) સેવા કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી. ટેકનોલોજીના માધ્યમથી વિધાનસભાની તમામ પ્રક્રિયાઓને કઈ રીતે ડિજિટાઈઝ કરવામાં આવી છે અને તેનાથી કામગીરીમાં કેવી રીતે પારદર્શિતા અને ઝડપ આવી છે, તે અંગે અધિકારીઓએ મેઘાલયના સભ્યોને પ્રત્યક્ષ નિર્દેશન આપ્યું હતું. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતના આ મોડેલને પ્રતિનિધિ મંડળે ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું હતું.
અમૂલ ડેરી સહિત વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેશે
આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન સમિતિના સભ્યો ગુજરાતમાં અમૂલ ડેરી, આણંદ સહિત અન્ય વિકાસલક્ષી પ્રકલ્પોની પણ મુલાકાત લેશે, જે બંને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધોને વધુ મજબૂત બનાવશે.
બંને રાજ્યોના અધિકારીઓ ઉપસ્થિત
આ પ્રસંગે મેઘાલય વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ સહિત સભ્ય સર્વે ડૉ. સેલેસ્ટાઈન લિંગડોહ, ગેવિન એમ. માયલીમ, રૂપા એમ. મારક, રુપર્ટ મોમીન, પોલ લિંગડોહ તેમજ 07 વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે ગુજરાત વિધાનસભા તરફથી સંયુક્ત સચિવ રીટાબેન મહેતા, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપ સચિવ ચિરાગ પટેલ, સેકશન ઓફિસર ધ્રુવ પટેલ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
