<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ફેસબુક પર ચેટિંગ એપની લિંક પર ક્‍લિક કરતાં ફોન હેંગ થયો, ખાતામાંથી ૯૮,૫૬૮ ઉપડી ગયા

યુવકને ફેસબુક રીલ્‍સ જોતી વખતે ‘જીયા એપ' ડાઉનલોડ કરવી ભારે પડી : એક્‍સિસ બેન્‍ક એકાઉન્‍ટમાંથી સતીશ યાદવ નામના ખાતામાં UPI મારફતે નાણાં ટ્રાન્‍સફર થતાં નારોલમાં પોલીસ ફરિયાદ

અમદાવાદ તા.૧૫: નારોલ વિસ્‍તારમાં રહેતા અને સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવતા ૩૪ વર્ષીય યુવક સાથે સોશિયલ મીડિયા ફેસબુક પર ચેટિગ એપ્‍લિકેશનની લિક દ્વારા રૂ. ૯૮,૫૬૮ની ઓનલાઇન સાયબર છેતરપિડી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્‍યો છે. ગત ૫ ઓક્‍ટોબરના રોજ સાંજના સમયે ફેસબુક રીલ્‍સ જોતી વખતે સ્‍ક્રીન પર આવેલી ‘જીયા એપ' નામની લિક પર ક્‍લિક કરી એપ ડાઉનલોડ અને અપડેટ કરતાં જ યુવકનો મોબાઇલ ફોન હેંગ થઈ ગયો હતો. ત્‍યારબાદ બેન્‍કમાંથી કોઈ પણ પ્રકારનો ઓટીપી કે મેસેજ આવ્‍યા વગર જ તેના બેન્‍ક એકાઉન્‍ટમાંથી રૂ. ૯૮,૫૬૮ અજાણ્‍યા વ્‍યક્‍તિના ખાતામાં ટ્રાન્‍સફર થઈ ગયા હતા. આ મામલે નારોલ પોલીસે અજાણ્‍યા સાયબર ઠગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલના ગ્‍યાસપુર મુખીવાળા વાસ ખાતે રહેતા દિક્ષીત બુધાજી ઠાકોર (ઉં.વ. ૩૪) લાંભા દેવરાજ એસ્‍ટેટમાં આવેલી ‘આવડત એપરલ્‍સ' નામની કંપનીમાં સિલાઈકામ કરે છે. તેઓ એક્‍સિસ બેન્‍કની હાટકેશ્વર સર્કલ શાખામાં બચત ખાતું ધરાવે છે. ગત ૫ ઓક્‍ટોબરના રોજ સાંજે આશરે છ વાગ્‍યાના સુમારે તેઓ ઘરે હાજર હતા અને પોતાના મોબાઇલમાં ફેસબુક પર રીલ્‍સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન સ્‍ક્રીન પર ‘જીયા એપ' નામની એક ચેટિગ એપ્‍લિકેશનની જાહેરાત આવી હતી. તે લિક પર ક્‍લિક કરતાં જ ગૂગલ ક્રોમ બ્રાઉઝર મારફતે એપ્‍લિકેશન ડાઉનલોડ કરવાનો વિકલ્‍પ ખુલ્‍યો હતો. દિક્ષીતભાઈએ આ એપ ડાઉનલોડ કરીને તેને અપડેટ આપતાં જ તેમનો મોબાઇલ ફોન અચાનક હેંગ થવા લાગ્‍યો હતો. થોડીવાર બાદ તેમણે શંકા જતાં એપ અનઇન્‍સ્‍ટોલ કરી ફોન રિ-સ્‍ટાર્ટ કર્યો હતો. તે સમયે ફોન સામાન્‍ય થઈ ગયો હતો અને ખાતામાંથી પૈસા કપાયાનો કોઈ મેસેજ આવ્‍યો ન હોવાથી તેમણે તે બાબતે વધુ ધ્‍યાન આપ્‍યું ન હતું.

૧૨ ઓક્‍ટોબરના રોજ અન્‍ય એક પેમેન્‍ટ કરવાનું હોવાથી તેમણે એક્‍સિસ બેન્‍કની ઓફિશિયલ એપ્‍લિકેશન ખોલીને બેન્‍ક સ્‍ટેટમેન્‍ટ ચેક કર્યું હતું. જેમાં ગત ૫ ઓક્‍ટોબરના રોજ તેમની જાણ બહાર જ રૂ. ૯૮,૫૬૮ યુપીઆઈ (UPI) મારફતે ‘સતીશ યાદવ' નામના વ્‍યક્‍તિના સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ખાતામાં ટ્રાન્‍સફર થઈ ગયા હોવાનું માલૂમ પડ્‍યું હતું. પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું જણાતાં તેમણે તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્‍પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(10:19 AM IST)