હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં 'ફિટ ઇન્ડિયા - સન્ડેઝ ઑન સાયકલ'ની ૯૭મી આવૃત્તિનું આયોજન : ૫૦૦થી વધુ નાગરિકોએ સાયકલ ચલાવી આપ્યો રાષ્ટ્રીય એકતાનો સંદેશ
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર પટેલના આદર્શોથી પ્રેરિત થઈ એસએઆઈ અને માય ભારત દ્વારા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ એનસીસી બટાલિયનો અને એકમોના સહયોગથી ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનો યોજાયો ભવ્ય કાર્યક્રમ

અમદાવાદ: ભારતીય રમતગમત પ્રાધિકરણ (SAI) પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને MY Bharatના સંયુક્ત ઉપક્રમે તા. ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ'ની ૯૭મી આવૃત્તિનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, શારીરિક તંદુરસ્તી, શિસ્ત તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ આયોજનમાં સાઇકલિંગના શોખીનો, નાગરિકો અને ગુજરાતની વિવિધ એનસીસી બટાલિયનો તથા એકમોના કેડેટ્સ અને જવાનો મળીને ૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એસએઆઈ પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગરના સહાયક નિયામક સાહિલા સૈન્સન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
એનસીસીના અધિકારીઓ અને જવાનોનું વિશેષ બહુમાન:
આ પ્રસંગે દેશભક્તિ, શિસ્ત અને ટીમવર્કની ભાવના સાથે જોડાયેલા વિવિધ એનસીસી એકમોના અધિકારીઓ અને જવાનોને સન્માનિત કરાયા હતા. જેમાં ૩૭ ગુજરાત બટાલિયન એનસીસીના સુબેદાર ઇન્દ્રજીત; ૧ ગુજરાત આર્ટિલરીના નાયબ સુબેદાર અશોક ચવ્હાણ અને સુબેદાર કુલદીપ; ૧ ગુજરાત ગર્લ્સ બટાલિયનના સુબેદાર મોટુપ, હવાલદાર રઘુભાઈ અને નાયક રંજનેશ કુમાર; ૯ ગુજરાત બટાલિયનના હવાલદાર બિરેન્દ્ર સિંહ; ૧ નેવલ એનસીસીના શિશુપાલ સિંહ; ૧ ગુજરાત સીટીસીના એમ. બી. રાવ; ૧ ગુજરાત બોયઝ બટાલિયનના હવાલદાર મોહન સિંહ અને હવાલદાર અકરમ; તેમજ ૨ ઇન્ડિપેન્ડન્ટ એનસીસી ગાંધીનગરના હવાલદાર જયેશ કુમાર, નિકિતા (જીસીએ) અને હવાલદાર વિપુલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨ સીટીસી અને ૨ એર સ્ક્વોડ્રન એનસીસીના કેડેટ્સે પણ સક્રિય સહભાગિતા દર્શાવી હતી.
ફિટ ઇન્ડિયા ગેમ્સ ઝોન અને પરંપરાગત રમતો:
કાર્યક્રમનો પ્રારંભ ઉર્જાસભર ઝુમ્બા સેશનથી થયો હતો. ત્યારબાદ ચેસ, ફૂસબોલ, લુડો, બેડમિન્ટન અને વોલીબોલ જેવી રમતો યોજાઈ હતી. સ્થળ પર વિશેષ 'ફિટ ઇન્ડિયા ગેમ્સ ઝોન' ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં સહભાગીઓએ પરંપરાગત ભારતીય રમતો રમીને દેશની વિરાસત સાથે જોડાવાનો આનંદ માણ્યો હતો.
સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ જાગૃતિ:
કાર્યક્રમમાં બ્રિક્સ (BRICS) સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ પ્રિસ્ક્રિપ્શન હેઠળ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા, ઊર્જા બચાવવા, સ્થાનિક ઉત્પાદનો પ્રોત્સાહિત કરવા અને કચરો ઘટાડી રિસાયક્લિંગ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ તકે "ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ"નો લોકપ્રિય મંત્ર દોહરાવીને નાગરિકોને દૈનિક ૩૦ મિનિટ શારીરિક પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ કરાયેલી આ સાઇકલિંગ પહેલ સીફી (CFI), નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર અને સેન્ટર ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ જેવા ભાગીદારોના સહયોગથી સમગ્ર દેશમાં એકસાથે યોજવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
