તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
ગુજરાતમાં ૮મા પોષણ પખવાડિયાની ઉજવણી: ‘પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો’ થીમ સાથે ૨૩ એપ્રિલ સુધી ઝુંબેશ
મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યવ્યાપી કાર્યક્રમો: ‘મગજના શ્રેષ્ઠ વિકાસ માટે પોષણ’ પર ભાર; પાંચ મુખ્ય સ્તંભો દ્વારા કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની નેમ

ગાંધીનગર, તા.૧૮ : કેન્દ્ર સરકારના 'પોષણ અભિયાન'ને જન આંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વધુ સજ્જ બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે વિવિધ વિભાગોના સહયોગથી તા. ૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ૮મા પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ વર્ષના પોષણ પખવાડિયાની થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો" નક્કી કરવામાં આવી છે. વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ, મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મગજના સર્વાગી વિકાસ માટે સમુદાયને સશક્ત બનાવવાનો છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મગજનો ૮૫ ટકાથી વધુ વિકાસ બાળકની ૬ વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. ખાસ કરીને પ્રથમ ૧૦૦૦ દિવસ બાળકની શારીરિક અને માનસિક સુખાકારી માટે સુવર્ણ તક સમાન છે. તેથી આ પખવાડિયા દરમિયાન 'સ્વાસ્થ્ય માટે પોષણ' થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ માટે પોષણ’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
પાંચ મુખ્ય સ્તંભો પર ભાર
લોકભાગીદારીથી પોષણના લક્ષ્યાંકો હાંસલ કરવા પાંચ મુખ્ય સ્તંભો પર ભાર મૂકવામાં આવ્યો છે:
1. માતા અને બાળકનું પોષણ
2. ૩ વર્ષ સુધીના બાળકોના મગજના વિકાસ માટે પ્રારંભિક ઉત્તેજન
3. ૩ થી ૬ વર્ષ સુધીના બાળકો માટે રમત-આધારિત શિક્ષણ
4. સ્વસ્થ જીવનશૈલી: બાળકોમાં વધતા મોબાઈલ-ટીવી 'સ્ક્રીન ટાઈમ' ને ઘટાડી સક્રિય જીવનશૈલી
5. સક્ષમ આંગણવાડીઓ
સમગ્ર પખવાડિયા દરમિયાન આંગણવાડીઓ દ્વારા રાજ્યવ્યાપી પ્રવૃત્તિઓ થકી ગુજરાતના ખૂણેખૂણે વિવિધ વિભાગો, આંગણવાડી કાર્યકરો, માતાઓ, પરિવારો અને સ્થાનિક અગ્રણીઓ આ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અભિયાન, ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને પોષણ પંચાયતો દ્વારા આ સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે કે આ પોષણ પખવાડિયું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
