<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

૫ વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર ૮૧ વર્ષીય વૃદ્ધને ૫ વર્ષની કેદ

કોર્ટે કહ્યું કે ગુનો સાબિત થાય ત્‍યારે ઉંમરના આધારે દયા ન દાખવી શકાય

અમદાવાદ તા.૨૨: શહેરના માધવપુરા વિસ્‍તારમાં બે વર્ષ જૂના પાંચ વર્ષની સગીરા સાથે અડપલાં કરવાના કેસમાં ૮૧ વર્ષીય વૃદ્ધને સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના મહત્‍વપૂર્ણ ચુકાદામાં નોંધ્‍યું છે કે જ્‍યારે ગંભીર પ્રકારનો ગુનો નિઃશંકપણે સાબિત થાય છે ત્‍યારે માત્ર આરોપીની ઉંમરના આધારે દયા દાખવી શકાય નહીં.

કેસની વિગતો મુજબ માધવપુરા વિસ્‍તારમાં રહેતા અને દુકાન ચલાવતા ૮૧ વર્ષીય તફઝુલ હુસેન અહમદભાઈ કુરેશી સામે વર્ષ ૨૦૨૪માં પોક્‍સો હેઠળ ગુનો નોંધાયો હતો. ૧૯ ઓક્‍ટોબર, ૨૦૨૪ના રોજ તેમના વિસ્‍તારમાં રહેતી પાંચ વર્ષની સગીરા ચોકલેટ ખરીદવા માટે તેમની દુકાને ગઈ હતી. આરોપ છે કે તફઝુલ કુરેશીએ સગીરાને દુકાનમાં બોલાવી તેની સાથે અડપલાં કર્યા હતા.

ઘટનાની જાણ સગીરાએ પરિવારજનોને કરતા મામલો બહાર આવ્‍યો હતો. ત્‍યારબાદ પરિવારજનોની ફરિયાદના આધારે માધવપુરા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ તેની સામે સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ વિજયસિહ ચાવડાએ ફરિયાદી પક્ષના સાક્ષીઓ તથા દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરીને દલીલ કરી હતી કે આરોપી દ્વારા સગીરા સાથે અડપલાં કરવામાં આવ્‍યા હોવાનો મુદ્દો સંપૂર્ણપણે સાબિત થાય છે. ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્‍યો હતો. આવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો હોવાથી સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે અને દાખલારૂપ સંદેશ જાય તે માટે કડક સજા જરૂરી હોવાનું પણ રજૂ કરવામાં આવ્‍યું હતું.

બીજી તરફ બચાવ પક્ષે આરોપીની ઉંમર ૮૧ વર્ષ હોવાનો મુદ્દો રજૂ કરીને સજામાં રાહત આપવા વિનંતી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો અને ઉપલબ્‍ધ પુરાવાઓનું મૂલ્‍યાંકન કર્યા બાદ સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટના જજ નિતા એચ. વસવેલિયાએ આરોપીને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં સ્‍પષ્ટ નોંધ્‍યું હતું કે સગીરાઓ સામેના જાતીય ગુનાઓ અત્‍યંત ગંભીર સ્‍વરૂપના હોય છે અને જ્‍યારે આરોપી સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થાય ત્‍યારે દયા દાખવવાનું કોઈ કારણ રહેતું નથી. ચુકાદા બાદ દોષિત વૃદ્ધને જેલ હવાલે કરવામાં આવ્‍યો

(9:53 AM IST)