News of Thursday, 16th July 2026
કડીમાંથી ઝડપાયેલા 5 આતંકીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર: ટાઈમ બોમ્બ, જેહાદી સાહિત્ય અને આતંકી નેટવર્ક મામલે થશે તપાસ
આતંકીઓ અન્ય કોના સંપર્કમાં હતા અને તેમના આગામી કાવતરા શું હતા, તેની વિગતો એકત્રિત કરવા રિમાન્ડ લેવામાં આવ્યા

અમદાવાદ :ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાંથી ઝડપાયેલા 'જૈશ-એ-મોહમ્મદ' સંગઠન સાથે સંકળાયેલા 5 આતંકીઓને આજે કડીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ તમામ આરોપીઓના આગામી 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ATS દ્વારા અગાઉ પકડાયેલા 8 શંકાસ્પદ આતંકીઓની સઘન પૂછપરછ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીને આધારે વધુ 5 આતંકીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓમાં બિલાલ આબિદભાઈ શેરા, મહંમદ અયુબ કડીવાલા, મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખળી ઐયુબ સુણસરા, શફિઅ રઇસ મુખી અને મોહમ્મદહસન હનીફભાઈ કરડીયાનો સમાવેશ થાય છે.
આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્ટીક્યુટર પી. આર. દંતાણીએ કોર્ટમાં 13 મહત્વના મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં મુખ્યત્વે નીચે મુજબની બાબતો તપાસનો વિષય છે:
ટાઈમ બોમ્બ કૌભાંડ: પકડાયેલા આરોપીઓમાંથી મહંમદ અયુબ કડીવાલાએ ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બોમ્બ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તે ક્યાં સંતાડવામાં આવ્યું છે, તે અંગે તપાસ કરવામાં આવશે.
જેહાદી સાહિત્ય: જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા જેહાદી પુસ્તકો આ લોકોએ કોની પાસેથી અને કેવી રીતે મેળવ્યા હતા, તેમજ આ સાહિત્યને હાલ કઈ જગ્યાએ છુપાવવામાં આવ્યું છે તેની સઘન તપાસ કરવામાં આવશે.
આતંકી નેટવર્ક: આ આતંકીઓ અન્ય કોના સંપર્કમાં હતા અને તેમના આગામી કાવતરા શું હતા, તેની વિગતો એકત્રિત કરવા રિમાન્ડ લેવામાં આવ્યા છે.
કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને ડામવામાં ATSને મોટી સફળતા મળી છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
