News of Friday, 4th September 2026
ભેળસેળ કે મિસ-બ્રાન્ડ આહારથી પશુનું મોત થાય તો વેપારી કે ઉત્પાદકને 7 વર્ષ સુધીની જેલ અને 10 લાખ સુધી દંડ સહિત લાયસન્સ રદ કરવાની કડક જોગવાઈ
ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર માં રાજ્ય સરકાર અબોલ પશુધનની સુરક્ષા અને ગુણવત્તાસભર ખોરાક સુનિશ્ચિત કરવા પશુ આહાર નિયમન વિધેયક રજૂ કરશે.

ગાંધીનગર :રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો ખેડૂતો અને માલધારીઓના હિતમાં તેમજ અબોલ પશુધનને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર એક મોટો અને ઐતિહાસિક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પશુધન આહાર નિયમન વિધેયક રજૂ કરવામાં આવશે. બજારમાં મોટા પાયે વેચાતા નકલી, મિસ-બ્રાન્ડ અને હલકી ગુણવત્તાવાળા પશુ આહાર (દાણ, ખોળ અને ખાણ) પર અંકુશ મેળવવા માટે આ કાયદામાં અત્યંત કડક શિક્ષાત્મક જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત વિધેયકમાં પશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે દાખલારૂપ દંડનીય કાર્યવાહી નક્કી કરવામાં આવી છે. જો કોઈ નકલી, ઝેરી કે ભેળસેળયુક્ત આહારના સેવનથી પશુનું અકાળે મોત નીપજશે તો જવાબદાર ઉત્પાદક કે વિક્રેતાને સાત વર્ષ સુધીની સખત જેલવાસ ની સજા થઈ શકશે. આ ઉપરાંત ગુનેગાર સામે ₹10 લાખ સુધીનો આકરો આર્થિક દંડ ફટકારવાની કાયદાકીય સત્તા રહેશે. ભેળસેળયુક્ત આહારના કારણે પશુ બીમાર પડે કે દૂધ ઉત્પાદનમાં ગંભીર નુકસાન થાય તો પણ કડક સજાની જોગવાઈ કરાઈ છે
ઘણીવાર પશુ આહારના પેકેટ પર આકર્ષક દાવાઓ કરીને ભ્રામક પ્રચાર કરવામાં આવતો હોય છે. નવા કાયદા હેઠળ આવા તત્વો પર લગામ કસાશે. પશુ આહાર અંગે અતિશયોક્તિભરી કે ખોટી અને ભ્રામક જાહેરાતો કરવા બદલ કંપની કે સંચાલકને ₹૫ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરી મિસ-બ્રાન્ડિંગ આહાર વેચવાના કિસ્સામાં ઉત્પાદકનું વેચાણ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. પુનરાવર્તિત ગુનામાં લાયસન્સ ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ રાખવાની અને કાયમી રદ કરવાની સત્તા તંત્ર પાસે રહેશે.
કાયદાના સુચારૂ અમલીકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય કક્ષાએ સાત સભ્યોની વિશેષ નિયમનકારી કમિટી નું ગઠન કરવામાં આવશે. આ ઉપરાંત, પશુપાલન વિભાગના પ્રાદેશિક અધિકારીઓને લાયસન્સ આપવા, રિન્યુ કરવા, સ્ટોકની તપાસ કરવા તેમજ શંકાસ્પદ સેમ્પલ સીઝ કરવાની વ્યાપક સત્તાઓ સોંપવામાં આવશે. રાજ્યભરમાં દૂધાળા પશુઓમાં ગુણવત્તાયુક્ત આહારથી દૂધ ઉત્પાદન વધશે અને પશુપાલકો નકલી પ્રોડક્ટ્સની છેતરપિંડીમાંથી મુક્ત થશે, જેથી આ વિધેયક ગ્રામીણ અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
