News of Thursday, 1st October 2026
અમદાવાદમાં ખેતી બેંકની વડી કચેરી ખાતે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે WhatsApp Banking અને Mobile Banking સેવાઓનો શુભારંભ
સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું: કાર્યક્રમમાં બેંકની વિકાસયાત્રા અને કામગીરીની રજૂઆત સાથે સેવા, સહકાર અને સંવેદનાનો સંદેશ અપાયો

અમદાવાદમાં ખેતી બેંકની વડી કચેરી ખાતે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં WhatsApp Banking અને Mobile Banking સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો. બેંકના સભ્યો માટે બેન્કિંગ સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુલભ બને તે દિશામાં આ ડિજિટલ પહેલને મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન ખેતી બેંક દ્વારા પરંપરાગત સેવાભાવને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપવામાં આવી. ‘સહકારથી સમૃદ્ધિ’ના વિચારથી પ્રેરિત થઈ બેંક સભ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિજિટલ બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારી રહી છે. આ પહેલથી બેંકિંગ સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી
મુલાકાત દરમિયાન જીતુભાઈ વાઘાણીએ ભારતમાતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યું હતું. ત્યારબાદ બેંકના સ્થાપક યુવરાજશ્રી ઉદયભાણસિંહજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના પાયામાં રહેલા સેવાભાવ અને અગાઉની પેઢીઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માતા પ્રત્યેની કૃતજ્ઞતા સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતી આ પહેલમાં વૃક્ષને આવતી પેઢીઓ માટે સંભાળ અને સંવેદનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, બોર્ડના ડિરેક્ટરો અને અધિકારીઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ બેંકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બોર્ડરૂમમાં યોજાયેલા કાર્યક્રમમાં ચેરમેનનું સ્વાગત પ્રવચન, બેંકની વિકાસયાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી અને કામગીરી અંગેની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
જીતુભાઈ વાઘાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધન કર્યું હતું. એક તરફ સભ્યો માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો પ્રારંભ થયો તો બીજી તરફ માતાના નામે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં સહકાર, સેવા અને સંવેદનાનો સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ અને રાષ્ટ્રગીત સાથે થઈ હતી.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
