તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
રાજ્યમાં નાગરિકો અને પોલીસના સંયુક્ત સહયોગથી સીસીટીવી નેટવર્કનું મજબૂત કવચ અપાશે : પ્રિવેન્શન અને ડિટેક્શન માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ખાસ પહેલ
અમદાવાદના સફળ લોકભાગીદારી મોડેલને રાજ્યવ્યાપી સ્તરે વિસ્તારવા આદેશ : ૨ વર્ષમાં અમદાવાદમાં લગાવાયેલા ૨૪ હજાર કેમેરાએ ગુનાખોરી ડામવામાં ભજવી મહત્વની ભૂમિકા, હવે રાજ્યભરમાં વ્યાપ વધારાશે : પોલીસ અને પ્રજાના પરસ્પર સહયોગથી 'સુરક્ષિત ગુજરાત'ના નિર્માણમાં સહભાગી બનવા અપીલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:રાજ્યમાં જાહેર સલામતી વધુ સુદ્રઢ કરવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ત્વરિત ડિટેક્શનના ઉદ્દેશથી સમગ્ર ગુજરાતમાં સીસીટીવી સર્વેલન્સને લોકભાગીદારી થકી વધુ વ્યાપક અને મજબૂત બનાવવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. "જેટલું વ્યાપક નેટવર્ક, તેટલી વધુ સુરક્ષા"ના મંત્ર સાથે અમદાવાદના સફળ મોડેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવા માટે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક જ્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સેવારત હતા, ત્યારે વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ એસોસિએશનોના સ્વૈચ્છિક સહયોગથી ૨૪ હજારથી પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. નાગરિકોના આ સક્રિય સહયોગના પરિણામે શહેરમાં ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનમાં પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી હતી. લોકભાગીદારીનું આ નેટવર્ક સુરક્ષા વ્યવસ્થામાં ગેમ-ચેન્જર સાબિત થયું હતું, જેને હવે રાજ્યવ્યાપી સ્તરે વિસ્તારવામાં આવી રહ્યું છે.
હાલ રાજ્યમાં ૩.૮૮ લાખથી વધુ ખાનગી સીસીટીવી કેમેરા કાર્યરત છે, પરંતુ જાહેર માર્ગો, પાર્કિંગ કે સોસાયટીઓના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સને આવરી લેતા કેમેરા પ્રમાણમાં ઓછા છે. આથી, તમામ શહેરના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને સ્થાનિક નાગરિકો, સોસાયટીઓ અને વેપારી મંડળો સાથે સ્નેહપૂર્ણ સંવાદ યોજી મહત્તમ કેમેરા લગાડવા પ્રોત્સાહિત કરવાનો આદેશ અપાયો છે.
પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે સોસાયટી કે વ્યાપારી સંકુલોમાં સીસીટીવી લગાવતી વખતે તે માત્ર અંદર પૂરતા મર્યાદિત ન રહેતા બહારના મુખ્ય રોડ, પાર્કિંગ અને અવરજવરના મુખ્ય પોઇન્ટ્સને આવરે તે જરૂરી છે. આ ઉપરાંત, રાત્રિના સમયે ઉત્તમ સર્વેલન્સ માટે નાઇટ વિઝન ક્ષમતા, ૪ મેગાપિક્સલ કે તેથી વધુ સ્પષ્ટતા અને પૂરતો વિડીયો બેકઅપ ધરાવતા આધુનિક કેમેરા પસંદ કરવા સૂચન કરાયું છે.
આ જનજાગૃતિ અભિયાનના રાજ્યકક્ષાએ સુચારુ અમલીકરણ અને સંકલન માટે લૉ એન્ડ ઓર્ડર પોલીસ મહાનિરીક્ષકને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રજાના પરસ્પર સહયોગથી 'સુરક્ષિત ગુજરાત'ના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
