તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
સુરતમાં હોટફિક્સ કચરાનો યોગ્ય નિકાલ કરવા મામલે મંત્રી પ્રફુલ પાનશેરીયાની સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક : જુઓ વિડિયો
સ્વચ્છતા જાળવણી સાથે નાના પરિવારોની આજીવિકા સુરક્ષિત રાખવા સંવેદનશીલ અભિગમ : પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે પ્લોટ ફાળવવા સહિતના વ્યવહારુ ઉકેલો પર ચર્ચા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ જેવા વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલ અંગે ઉદ્ભવેલી ગંભીર સમસ્યાના નિવારણ અર્થે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સક્રિયતા દાખવી છે. શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને સ્થાનિક નાના વેપારીઓ કે કારીગરોની રોજગારી પર વિપરીત અસર ન પડે તે માટે મંત્રી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગહન વિચારવિમર્શ કરી વ્યવહારુ ઉકેલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હોટફિક્સ કચરો મુખ્યત્વે ઔદ્યોગિક કચરા (ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ) ની શ્રેણીમાં આવે છે. આ સિંગલ-યુઝ પ્લાસ્ટિક હોવાની સાથે તેની એક બાજુ ગુંદરનું પડ ધરાવતું હોવાથી તેનું રી-પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બને છે. આ જ કારણસર તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલ માટે ચોક્કસ પ્રક્રિયા ઘડી કાઢવી અનિવાર્ય બની છે.
આ સમસ્યાના કાયમી અને સુચારુ વ્યવસ્થાપન માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી નિધિ સિવાન તથા ઝોનલ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કચરાના વ્યવસ્થાપન, નિકાલ અને આગામી સમયમાં SMC દ્વારા અલગ પ્લોટની ફાળવણી કરવા સહિતના મુદ્દાઓ પર ગહન વિમર્શ કરાયો હતો.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ માત્ર વહીવટી કે રાજકીય દૃષ્ટિકોણથી નહીં, પરંતુ સંવેદનશીલ અને ઉકેલલક્ષી અભિગમ અપનાવીને લાવવું એ અમારું મુખ્ય ધ્યેય છે. સ્વચ્છતા એ સુરતની આગવી ઓળખ છે અને હોટફિક્સ કચરો ઔદ્યોગિક શ્રેણીમાં આવતો હોવાથી તેનો નિકાલ કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની છે. પરંતુ, તેના કેટલાક યુનિટ્સ રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી સ્થાનિક સ્તરે મુશ્કેલીઓ ઊભી થઈ છે, જેના યોગ્ય નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા કવાયત શરૂ કરી દેવાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ‘અંત્યોદય’ અને ‘સર્વસમાવેશી’ વિકાસના મંત્ર પર કાર્ય કરી રહી હોવાથી કોઈપણ નિર્ણય લેતી વખતે નાનામાં નાના માણસની આજીવિકા પર અસર ન પડે તે જોવાની અમારી નૈતિક જવાબદારી છે. સરકાર માટે સ્વચ્છતા અને રોજગારી બંને એકસમાન મહત્વ ધરાવે છે, તેથી બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને રાહતરૂપ વ્યવહારુ રસ્તો કાઢવામાં આવશે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
