તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
વરસાદ ખેંચાતાં અડધું ગુજરાત અછતની ચપેટમાં : ૧૦૮ તાલુકામાં પાક નિષ્ફળ જવાની આરે પહોંચતાં ૨૫ લાખ ખેડૂતો સંકટમાં
દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં ₹ ૪૫ થી ૫૫ હજાર કરોડના કૃષિ ઉત્પાદનને ભારે નુકસાનની ભીતિ : ૧૧ જિલ્લાના તમામ તાલુકાઓમાં પાક નાશ પામવાની સ્થિતિ : ૧૩૨ તાલુકામાં પશુ-ખેડૂતો પર આફત હોવાના મળતા પ્રાથમિક અહેવાલ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં વર્તમાન ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતાં અને અનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ થતાં અડધું ગુજરાત અછતગ્રસ્ત સ્થિતિમાં મુકાયું હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. રાજ્યના ૨૬૫ તાલુકાઓમાંથી ૧૦૮ તાલુકામાં ભારે વરસાદી અછત સર્જાઈ છે, જેના કારણે સિંચાઈના પાણી વિના પાક સુકાઈ રહ્યા છે અને નિષ્ફળ જવાની તૈયારીમાં છે. રાજ્યના કુલ પ૬ લાખ ખેડૂતોમાંથી આશરે ૨૫ લાખ ખેડૂતો આ અછતથી સીધા પ્રભાવિત થયા હોય શકે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસુ ઋતુ દરમિયાન મુખ્ય પાકોનું ઉત્પાદન ૧.૮૦ થી ૨ લાખ મેટ્રિક ટન જેટલું થાય છે, જેનું ન્યૂનતમ ટેકાના ભાવે બજાર મૂલ્ય અંદાજે રૂ. ૪૫ થી ૫૫ હજાર કરોડ ગણાય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજ્યના ૧૧ જિલ્લાઓ એવા છે કે જેના તમામ તાલુકાઓમાં ૬ ટકાથી લઈને ૬૫ ટકા જેટલો જ અત્યંત ઓછો વરસાદ નોંધાયો છે, જ્યાં પાક સંપૂર્ણ નાશ થવાના આરે છે. આ ૧૧ જિલ્લાઓમાં કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ-થરાદ અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ ઉત્પાદન ઘટવાની પૂરેપૂરી શક્યતા હોવાથી કુલ ૧૩૨ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો પર મોટી આફત આવી પડી છે.
કચ્છ તથા ઉત્તર ગુજરાત રીજિયનના જિલ્લા અને તાલુકા વાઇઝ વરસાદની સ્થિતિ:
કચ્છ જિલ્લો (સરેરાશ ૨૯.૨૯% - તમામ ૧૦ તાલુકામાં અછત): અબડાસા (૧૦.૨૮%), અંજાર (૧૭.૨૯%), ભચાઉ (૩૮.૩૮%), ભુજ (૩૨.૭૦%), ગાંધીધામ (૩૩.૬૯%), લખપત (૨૦.૦૦%), માંડવી (૧૬.૫૮%), મુંદ્રા (૨૫.૬૫%), નખત્રાણા (૨૭.૮૭%) અને રાપર (૬૭.૨૮%).
પાટણ જિલ્લો (સરેરાશ ૬૬.૪૬% - ૯ માંથી ૭ તાલુકામાં અછત): ચાણસ્મા (૫૪.૨૬%), હારીજ (૫૦.૪૩%), પાટણ (૬૫.૨૭%), સમી (૫૦.૫૮%), સરસ્વતી (૬૦.૪૯%), શંખેશ્વર (૫૮.૧૫%), સિદ્ધપુર (૪૫.૫૪%). જ્યારે રાધનપુર (૧૦૩.૦૫%) અને સાંતલપુર (૧૧૭.૩૭%) માં સારા વરસાદથી અછત નથી.
બનાસકાંઠા જિલ્લો (સરેરાશ ૫૧.૨૫% - ૧૦ માંથી ૯ તાલુકામાં અછત): અમીરગઢ (૩૯.૨૬%), દાંતા (૪૬.૬૯%), દાંતીવાડા (૬૨.૬૫%), ડીસા (૫૯.૦૮%), ધાનેરા (૪૭.૫૬%), હડાદ (૪૬.૦૩%), કાંકરેજ (૫૧.૭૦%), પાલનપુર (૪૯.૩૧%), વડગામ (૪૭.૭૫%). જ્યારે ઓગડ (૭૪.૬૫%) માં સ્થિતિ સામાન્ય છે.
વાવ-થરાદ જિલ્લો (સરેરાશ ૬૯.૨૨% - ૮ માંથી ૬ તાલુકામાં અછત): ધરણીધર (૫૬.૭૦%), લાખણી (૫૧.૧૭%), રાહ (૬૨.૯૯%), સુઇગામ (૬૧.૬૧%), થરાદ (૬૨.૩૪%), વાવ (૩૪.૯૫%). ભાભર (૧૦૪.૩૧%) અને દિયોદર (૧૧૩.૩૮%) અછતમુક્ત છે.
મહેસાણા જિલ્લો (સરેરાશ ૬૨.૩૪% - ૧૦ માંથી ૮ તાલુકામાં અછત): જોટાણા (૬૨.૪૨%), ખેરાલુ (૬૩.૪૩%), મહેસાણા (૫૧.૬૬%), સતલાસણા (૫૩.૨૮%), ઊંઝા (૩૪.૯૪%), વડનગર (૪૪.૯૬%), વિજાપુર (૫૯.૫૭%), વિસનગર (૫૦.૮૯%). બેચરાજી (૭૨.૯૨%) અને કડી (૧૧૮.૩૭%) અછતમાં નથી.
સાબરકાંઠા જિલ્લો (સરેરાશ ૪૬.૬૧% - ૮ માંથી ૭ તાલુકામાં અછત): હિંમતનગર (૫૩.૧૪%), ઇડર (૩૮.૨૨%), ખેડબ્રહ્મા (૩૫.૬૯%), પોશિના (૩૬.૪૫%), પ્રાંતિજ (૫૭.૯૩%), વડાલી (૩૭.૬૬%), વિજયનગર (૪૩.૯૫%). તલોદ (૭૧.૪૬%) અછતમાં નથી.
અરવલ્લી જિલ્લો (સરેરાશ ૪૬.૨૨% - તમામ ૮ તાલુકામાં અછત): બાયડ (૫૦.૧૧%), ભિલોડા (૪૪.૮૩%), ધનસુરા (૫૫.૩૮%), માલપુર (૩૭.૨૧%), મેઘરજ (૪૫.૩૧%), મોડાસા (૪૭.૭૧%), સાઠંબા (૫૬.૫૬%), શામળાજી (૩૧.૬૬%).
ગાંધીનગર જિલ્લો (સરેરાશ ૬૨.૨૦% - તમામ ૪ તાલુકામાં અછત): દહેગામ (૬૨.૮૬%), ગાંધીનગર (૫૯.૮૬%), કલોલ (૬૩.૦૮%), માણસા (૬૨.૭૩%).
*(ઉત્તર ગુજરાત રીજિયનની સરેરાશ ૫૬.૨૩% રહી છે.)*
સૌરાષ્ટ્ર રીજિયનના જિલ્લા અને તાલુકા વાઇઝ વરસાદની સ્થિતિ:
રાજકોટ જિલ્લો (સરેરાશ ૪૭.૦૯% - તમામ ૧૧ તાલુકામાં અછત): ધોરાજી (૪૯.૪૬%), ગોંડલ (૫૮.૭૧%), જામકંડોરણા (૫૮.૪૮%), જસદણ (૪૨.૫૬%), જેતપુર (૫૫.૭૪%), કોટડા સાંગાણી (૪૬.૦૮%), લોધિકા (૪૮.૮૭%), પડધરી (૪૭.૫૮%), રાજકોટ (૪૮.૩૩%), ઉપલેટા (૨૭.૦૬%) અને વિંછીયા (૩૦.૫૭%).
જામનગર જિલ્લો (સરેરાશ ૨૮.૮૮% - તમામ ૬ તાલુકામાં અછત): ધ્રોલ (૩૩.૧૮%), જામજોધપુર (૩૭.૭૪%), જામનગર (૨૦.૪૧%), જોડિયા (૩૨.૧૦%), કાલાવડ (૩૩.૩૮%), લાલપુર (૧૮.૫૦%).
દેવભૂમિ દ્વારકા જિલ્લો (સરેરાશ ૬.૪૧% - તમામ ૪ તાલુકામાં અછત): ભાણવડ (૯.૭૫%), દ્વારકા (૨.૨૮%), કલ્યાણપુર (૩.૪૧%), ખંભાળિયા (૯.૫૪%).
પોરબંદર જિલ્લો (સરેરાશ ૧૮.૧૨% - તમામ ૩ તાલુકામાં અછત): કુતિયાણા (૩૧.૧૬%), પોરબંદર (૯.૩૪%), રાણાવાવ (૧૩.૪૬%).
ગીર સોમનાથ જિલ્લો (સરેરાશ ૪૬.૬૨% - તમામ ૬ તાલુકામાં અછત): ગીર ગઢડા (૩૧.૦૩%), કોડિનાર (૩૯.૭૪%), સુત્રાપાડા (૬૪.૧૦%), તાલાલા (૩૧.૭૮%), ઉના (૫૪.૨૫%), પાટણ-વેરાવળ (૬૦.૩૧%).
જૂનાગઢ જિલ્લો (સરેરાશ ૫૫.૬૫% - ૧૦ માંથી ૭ તાલુકામાં અછત): ભેસાણ (૫૧.૦૦%), જૂનાગઢ (૩૩.૧૨%), જૂનાગઢ સિટી (૩૩.૧૨%), માણાવદર (૪૫.૯૫%), મેંદરડા (૫૯.૭૭%), વંથલી (૩૧.૯૨%), વિસાવદર (૩૪.૨૦%). માળિયા હાટીના (૭૮.૩૩%), કેશોદ (૮૭.૨૭%) અને માંગરોળ (૧૧૦.૦૫%) અછતમુક્ત છે.
અમરેલી જિલ્લો (સરેરાશ ૭૩.૮૯% - ૧૧ માંથી ૫ તાલુકામાં અછત): બાબરા (૫૮.૬૧%), ધારી (૬૩.૨૩%), જાફરાબાદ (૫૫.૪૩%), ખાંભા (૭૬.૯૫%), લાઠી (૬૮.૨૬%). બગસરા (૭૨.૩૪%), કુંકાવાવ વડિયા (૭૬.૦૩%), અમરેલી (૭૮.૨૪%), લીલીયા (૮૨.૮૦%), રાજુલા (૯૬.૨૬%) અને સાવરકુંડલા (૮૧.૮૩%) અછતમાં નથી.
ભાવનગર જિલ્લો (સરેરાશ ૭૨.૫૭% - ૧૦ માંથી ૪ તાલુકામાં અછત): તળાજા (૫૫.૫૪%), પાલીતાણા (૬૭.૯૯%), ભાવનગર (૬૫.૫૯%), જેસર (૫૭.૭૯%). ઘોઘા (૭૨.૬૮%), મહુવા (૮૮.૯૯%), સિહોર (૮૩.૫૧%), ઉમરાળા (૭૨.૨૬%), વલ્લભીપુર (૬૮.૭૯%) અને ગારિયાધાર (૯૬.૨૨%) માં સ્થિતિ સામાન્ય છે.
બોટાદ જિલ્લો (સરેરાશ ૭૧.૫૮% - ૪ માંથી ૨ તાલુકામાં અછત): ગઢડા (૬૧.૦૪%), રાણપુર (૫૮.૩૭%). બોટાદ (૮૦.૧૬%) અને બરવાળા (૮૫.૨૯%) માં સ્થિતિ સારી છે.
મોરબી જિલ્લો (સરેરાશ ૮૦.૩૫% - ૫ માંથી ૧ તાલુકામાં અછત): ટંકારા (૫૮.૦૫%) અછતગ્રસ્ત છે, જ્યારે હળવદ (૯૧.૪૭%), માળિયા (૮૫.૫૮%), મોરબી (૮૭.૫૭%) અને વાંકાનેર (૮૩.૭૨%) સામાન્ય છે.
સુરેન્દ્રનગર જિલ્લો (સરેરાશ ૮૨.૮૩% - અછત મુક્ત): ચુડા (૮૪.૩૧%), દસાડા (૯૧.૦૩%), ધ્રાંગધ્રા (૮૨.૭૯%), લખતર (૯૯.૦૩%), લીંબડી (૭૧.૩૮%), મૂળી (૭૮.૮૨%), સાયલા (૯૧.૬૧%), થાનગઢ (૮૧.૦૯%), વઢવાણ (૮૨.૯૪%) અને ચોટીલા (૬૮.૧૯%).
(સૌરાષ્ટ્ર રીજિયનની સરેરાશ ૫૬.૦૧% નોંધાઈ છે.)
આ સાથે, રાજ્યમાં ઉત્પન્ન થયેલી વરસાદી અછત ના સત્તાવાર અહેવાલની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
