<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

શૂલપાણેશ્વર અભયારણ્યમાં ધોધ ખીલી ઊઠ્યો : સામરઘાટનો ગોવલી ઘાટ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ

ચોમાસામાં ગર્જ્યો ગોવલી ઘાટ: બગલા ખાડીનો ધોધ બની રહ્યો પ્રવાસીઓ માટે કુદરતી કાશ્મીર: ગોવલી ઘાટમાં ધોધનો જલવો, પણ ઊંડું પાણી બની શકે જીવલેણ: સુરક્ષાને લઈ સાવચેતી જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની સગાઈ રેન્જમાં આવેલા સામરઘાટ ગામ નજીક બગલા ખાડી પરથી પડતો ‘ગોવલી ઘાટ’ ધોધ હાલ ચોમાસાની ઋતુમાં ધસમસતા પાણી સાથે રૌદ્ર અને રમણીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કુદરતી વનરાઈ, ઊંચા પહાડો અને ખળખળ વહેતા પાણી વચ્ચે આવેલ આ સ્થળ સ્થાનિકો ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ અને ઇકો-ટુરિઝમના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સામરઘાટ ગામ નજીક બગલા ખાડી પરથી વહેતું પાણી પહાડોની વચ્ચેથી નીચે ધસી આવતાં અહીં ગોવલી ઘાટનો મનમોહક નજારો સર્જાય છે. દેમોગરા માતાના મંદિરથી અંદાજે ૫ થી ૬ કિલોમીટરના અંતરે આવેલ તેમજ દેડીયાપાડા થી અંદાજે ૧૮ થી ૧૯ કિલોમીટર ગંગાપુર રાઉન્ડ અને મોરજરી રાઉન્ડની બોર્ડર નજીક આ કુદરતી સ્થળ આવેલું હોવાનું સ્થાનિકો જણાવે છે.
ગાયો સાથે જોડાયેલી લોકમાન્યતા પરથી પડ્યું ‘ગોવલી ઘાટ’ નામ
સ્થાનિક માન્યતા મુજબ, સ્થળ સાથે ભગવાન શ્રીકૃષ્ણના અવતારકાળ અને ગાયો સાથે જોડાયેલી ધાર્મિક લાગણી સંકળાયેલી છે. અહીં ગાયોનું ગોઠણ હોવાની લોકમાન્યતાને કારણે આ સ્થળનું નામ ‘ગોવલી ઘાટ’ પડ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે. જેના કારણે આ સ્થળ માત્ર કુદરતી સૌંદર્ય પૂરતું સીમિત ન રહેતા ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓ સાથે પણ જોડાયેલું છે.
ચોમાસામાં ધોધનું રૌદ્ર સ્વરૂપ
હાલ ચોમાસાની ઋતુમાં ગોવલી ઘાટ ખાતે પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. પહાડો વચ્ચેથી ધસમસતા પાણીનો પ્રવાહ અને આસપાસની લીલીછમ વનરાજી પ્રવાસીઓ માટે આંખોને ઠંડક આપતું દૃશ્ય સર્જી રહી છે. આજુબાજુના ગામોના લોકો અને પ્રકૃતિપ્રેમીઓ અહીંના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે આકર્ષાઈ રહ્યા છે.
પાણી ઊંડું, જોખમ મોટું- સાવચેતી અત્યંત જરૂરી
જોકે ગોવલી ઘાટનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે, ત્યારે હાલમાં અહીં પાણીની ઊંડાઈ ઘણી વધુ હોવાના કારણે બેદરકારી ભારે પડી શકે છે. ખાસ કરીને ધોધ અને ઊંડા પાણીની નજીક જતી વખતે પ્રવાસીઓએ અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. વનવિસ્તાર અને પાણીના તેજ પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
શૂલપાણેશ્વર અભયારણ્યની ગાઢ વનરાઈ વચ્ચે આવેલ ગોવલી ઘાટ કુદરત, આસ્થા અને સાહસનો અનોખો સંગમ બની રહ્યો છે. જો આ સ્થળે યોગ્ય રીતે ઇકો-ટુરિઝમ વિકસાવવામાં આવે અને પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો નર્મદા જિલ્લાના વધુ એક કુદરતી પ્રવાસન સ્થળ તરીકે ગોવલી ઘાટ આગવી ઓળખ મેળવી શકે તેમ છે.

(11:14 PM IST)