<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

રક્ષાબધંનની સુરક્ષા બંધન તરીકે ઉજવણીઃ અમે તમારી સુરક્ષાનું વચન આપીએ છીએ, લોકો પોલિસને સહયોગનું વચન આપે :નરસિંહમાં કોમાર

જયારે સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધારાવતા વડોદરા સીપીએ એ પવિત્ર સંબંધ માત્ર ભાઈ બહેનો પૂરતો સિમિત રાખવાને બદલે સામાજિક સુરક્ષા, માર્ગ સલામતી, નશા મુક્‍તિ અને સાયબર સુરક્ષાનો અસરકારક સંદેશ આપ્‍યો : વિવિધ લેવલના સામાજિક અગ્રણીઓ, મહિલા સંગઠનોનો સહયોગઃ નિલેશ જાજડિયા, ડીસીપી એન્‍દુ મેકવાન, ડીસીપી જગદીશ ચાવડા, ડીસીપી રાકેશ ઉપાધ્‍યાય, ડીસીપી તેજલ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં સહુ પ્રથમ અનોખો પ્રયોગ

રાજકોટઃ તા.ર૯,સીબીઆઈ બેકગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્‍હા કોમાર હર હંમેશ લોકોને કેન્‍દ્રમાં રાખી લોકજાગૃતિ માટે સતત જાગૃત રહે છે, લોકોને વિવિધ બાબતોએ જાગૃત રાખવા માટે અનોખા પ્રયોગ કરે છે. તાજેતરમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી માટે શહેરીજનોને સામેલ કરી સુરક્ષા બંધન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો.

વિશાળ સમૂહને સંબોધતા પોલીસ કમિશ્નર નરસિમ્‍હા કોમારે સુરક્ષા બંધન કાર્યનો હેતુ સમજાવતા જણાવ્‍યું કે, માર્ગ અકસ્‍માત અટકાવવા માટે માત્ર પોલીસ પ્રયાસો જ પૂરતા નથી, લોકોનો સહયોગ પણ ફક્‍ત આવશ્‍યક જ નહીં, અનિવાર્ય છે. હેલ્‍મેટ પહેરવું, ટ્રાફિક નિયમોનું પાલન, સાયબર ક્રાઈમ પ્રત્‍યે જાગૃતિ એ ખૂબ જરૂરી છે.

કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે પોલીસ કમિશ્નર નરસિમ્‍હા કોમાર ઉપસ્‍થિત રહ્યા હતા તથા સંયુક્‍ત પોલીસ કમિશ્નર નિલેશ ઝાંઝડિયા, નાયબ પોલીસ કમિશ્નર એન્‍દુ મેકવાન (ઝોન-૪), નાયબ પોલીસ કમિશ્નર જગદીશ ચાવડા (ઝોન-૧), નાયબ પોલીસ કમિશ્નર ઋષિકેશ ઉપાધ્‍યાય (ટ્રાફિક-પヘમિ), નાયબ પોલીસ કમિશ્નર તેજલ પટેલ (ટ્રાફિક-પૂર્વ), તેમજ મદદનીશ પોલીસ કમિશ્નરો, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરો તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે જાગૃતિબેન પંડ્‍યા (એનજીઓ સંચાલક),નીલમ રાજપુત (એનજીઓ તથા યોગા ક્‍લાસ સંચાલક), નિસ્‍વાર્થ ફાઉન્‍ડેશનના પ્રોજેક્‍ટ કોઓર્ડિનેટર જાનકીબેન પટેલ, ડો. શશીકાંત શાહ તથા મેડિકલ ટીમ સહિત વડોદરા શહેરના સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો, ટીઆરબી જવાનો તથા અન્‍ય નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ ‘‘સુરક્ષા બંધન''ની ઉજવણી કરવામાં આવી હતી. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા વડોદરા શહેરના સિનિયર સિટીઝનો, મહિલાઓ તથા બાળકોને રાખડી બાંધી તેમની સુરક્ષા, સહાય અને રક્ષણ માટે પોલીસની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતો સીમિત ન રાખી સમાજમાં પરસ્‍પર સુરક્ષા, વિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ ટ્રાફિક મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ઉપસ્‍થિત મેડિકલ સ્‍ટાફ તથા ડોક્‍ટરોની ટીમને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી આભાર અને સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહિલાઓ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને રાખડી બાંધી પોલીસ અને નાગરિકો વચ્‍ચેના પરસ્‍પર વિશ્વાસ તથા સહભાગિતાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો.

માર્ગ સલામતીના સંદેશને વધુ અસરકારક બનાવવા માટે મંચસ્‍થ અતિથિઓ તથા ટ્રાફિક વિભાગ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને હેલ્‍મેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. હેલ્‍મેટના નિયમિત ઉપયોગ, ટ્રાફિક નિયમોના પાલન તથા સુરક્ષિત વાહન વ્‍યવહાર અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ઉપસ્‍થિત નાગરિકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા પોતે સુરક્ષિત રહેવા સાથે સુરક્ષાની પણ જવાબદારી નિભાવવાનો સંકલ્‍પ લેવડાવવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત ‘‘સંકલ્‍પ નશામુક્‍તિ'' કાર્યક્રમ અંતર્ગત નશાના દુરુપયોગથી વ્‍યક્‍તિના સ્‍વાસ્‍થ્‍ય, પરિવાર તથા સમાજ પર થતી પ્રતિકૂળ અસરો અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી. નશામુક્‍ત સમાજના નિર્માણમાં દરેક નાગરિકની ભૂમિકા મહત્‍વપૂર્ણ હોવાનું જણાવી પોલીસ કમિશ્નર દ્વારા ઉપસ્‍થિત તમામ લોકોને નશામુક્‍તિ અંગે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર દ્વારા ‘‘રાહવીર યોજના'' અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અકસ્‍માત સમયે ઈજાગ્રસ્‍ત વ્‍યક્‍તિને સમયસર મદદ મળી રહે અને જરૂરી તબીબી સારવાર સુધી પહોંચાડવામાં વિલંબ ન થાય તે માટે નાગરિકોની માનવતાપૂર્ણ સહભાગિતાનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું. કોઈપણ અકસ્‍માતગ્રસ્‍ત વ્‍યક્‍તિને મદદ કરવા આગળ આવવું એ સામાજિક જવાબદારી તથા માનવતાની સેવા છે, સાથે જ નશામુક્‍તિના સંદેશને વધુ વ્‍યાપક બનાવવા માટે નશાના દુરુપયોગથી દૂર રહેવા, યુવાનોને નશાથી દૂર રાખવા તથા નશામુક્‍ત અને સ્‍વસ્‍થ સમાજના નિર્માણમાં સહભાગી બનવા સૌને અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે નાયબ પોલીસ કમિશ્નર એન્‍દુ મેકવાન (ઝોન-૪) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ મહાનુભાવો, NGO, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, મેડિકલ ટીમ, સિનિયર સિટીઝનો, મહિલાઓ, બાળકો તથા નાગરિકોનો આભાર વ્‍યક્‍ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

રક્ષાબંધનના પવિત્ર પર્વને ‘‘સુરક્ષા બંધન'' ના સ્‍વરૂપે ઉજવી યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા પોલીસ અને નાગરિકો વચ્‍ચે વિશ્વાસ અને સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે સામાજિક સુરક્ષા, માર્ગ સલામતી અને નશામુક્‍તિ અંગે જનજાગૃતિનો અસરકારક સંદેશ આપવામાં આવ્‍યો હતો.

(2:26 PM IST)