તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
પિતાના મૃત્યુનો શોક હજુ ઓસર્યો નહતો ત્યાં ૧૪ વર્ષની દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ
‘પિતા ગુમાવ્યા છે, હવે પરિવારનો સહારો બનવાનો સમય છે' સમજાવતા દીકરીને ભાન થયું અભયમની ટીમે કાઉન્સેલિગ કરી સાચી-ખોટાની સમજ આપી સમાધાન કરાવ્યું હતું

અમદાવાદ,તા.૨૯: પિતાના મૃત્યુનો શોક હજુ ઓસર્યો નહોતો ત્યાં ૧૪ વર્ષની દીકરી ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં ૧૪ વર્ષિય દીકરીને ૫ મહિના પહેલાં ઈન્ટ્રાગ્રામ થકી એક યુવક સાથે સંપર્ક થયો હતો અને પછી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન કેન્સરથી પિતાનું મોત થયું હતું. દરમિયાન માતાને આ સંબંધ અંગે જાણ થતા દીકરીને ઠપકો આપ્યો હતો. જોકે, દીકરી સમજવાની જગ્યાએ તે પ્રેમી સાથે પલાયન થઈ ગઈ હતી. આ અંગે અભયમની ટીમને જાણ થતા ટીમે દીકરીને સમજાવી કાઉન્સેલિગ કરી મામલો થાળે પાડ્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં ૧૪ વર્ષીય સગીરા તેના માતા-પિતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરીને ૫ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે પરિચય થયો હતો અને સતત તેની સાથે વાતો કરતી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બીજી તરફ પિતાને કેન્સર થયું હતું અને ૧૩ દિવસ પહેલા જ આ બીમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ સગીરા પર ઘરની જવાબદારી આવી ગઈ હોવાનું માનીને તેણે પિતાના અવસાનના ૩ દિવસ બાદ જ ઝઘડો કર્યો હતો અને તેના પ્રેમી સાથે રહેવા જવાની વાત કરતા માતાએ દીકરીને ઠપકો આપ્યો હતો અને પિતાનું અવસાનં થયું છે. આ બાબતે પછીથી વાત કરીશું તેમ જણાવ્યું હતું.
બીજી તરફ પિતાના મૃત્યુના છઠ્ઠા દિવસે સગીરા પ્રેમી સાથે ભાગી ગઈ. ત્યારબાદ પ્રેમીએ સગીરાની માતાને ફોન કરીને સગીરાની માહિતી આપી હતી. જેથી સગીરાની માતાએ દીકરીને ઘરે લઈ આવીને ઠપકો આપ્યો અને ફટકારી હતી. જેથી દીકરીએ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી રૂમમાં પૂરાઈ ગઈ હતી. બીજી તરફ ડરેલી માતાએ ૧૮૧ પર ફોન કરી મદદ માગી હતી. અભયમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીકરીને સાંત્વના આપી દરવાજો ખોલાવ્યો હતો. કાઉન્સેલિગ કરી સાચી-ખોટાની સમજ આપી સમાધાન કરાવ્યું હતું.
પિતાના અવસાન થયાના ૬ દિવસે દીકરી પ્રેમીના ઘરે રહેવા જતી રહી હતી. જેની જાણ માતાને થતા માતા દીકરીને લેવા માટે ત્યાં પહોંચી હતી. જોકે, પ્રેમી અને તેના પરિવારે દીકરી અહીં આવી કંઈ ખોટું ન કર્યાનું રટણ કર્યું હતું, પરંતુ માતાએ આ મામલે પોલીસ કેસ કરવાની અને દીકરી સગીર હોવા છતાં તમે તેને તમારા ઘરે ગોંધી રાખી હોવાની વાત કરતા પ્રેમી અને તેના પરિવારે દીકરીને તેની માતાને સોંપી હતીે.
અભયમની ટીમે ૧૪ વર્ષની સગીરાને અત્યંત સંવેદનશીલતાથી સમજાવી હતી. કાઉન્સિલરે તેને શાંત પાડીને અનુભવ કરાવ્યો કે પિતાના અવસાન બાદ પરિવાર પહેલેથી જ ઊંડા શોકમાં છે. તેવામાં તેનું આ રીતે ઘર છોડીને ભાગી જવું માતા માટે કેટલું આઘાતજનક છે. ઘરકામ એ કોઈ બોજ નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં માતાને મદદ કરવાની એક જવાબદારી છે. વધુમાં, સગીરાની નાની ઉંમર, શિક્ષણ અને ભવિષ્યનું મહત્ત્વ સમજાવી સોશિયલ મીડિયાના ક્ષણિક આકર્ષણથી દૂર રહેવા જણાવ્યું હતું. જ્યારે યુવક સામે પોલીસ કેસ અને કાયદાકીય કાર્યવાહીની ગંભીરતા દર્શાવવામાં આવી ત્યારે દીકરીને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે યુવક સાથે તમામ સંબંધો તોડી માતા-પરિવાર સાથે રહેવા સંમત થઈ હતી
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
