<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

તાલુકા મથક સાગબારા ખાતે પ્રાથમિક જરૂરિયાતો મુદ્દે કૉંગ્રેસના કાર્યકરોએ સરપંચ ,તલાટીને આવેદનપત્ર આપ્યું

પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રાત્રિ લાઇટ અને રોડ-રસ્તાની સુવિધા માટે જરૂરી સર્વે કરી અનુદાન (ગ્રાન્ટ) ફાળવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :સાગબારા તાલુકા મથક નું ગામ હોવા છતાં આજે પણ અહીં પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય સાગબારા તાલુકા કૉંગ્રેસના કાર્યકરોએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને આવેદનપત્ર આપી જરૂરી ગ્રાન્ટ ફાળવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી.
    આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નગરમાં પાણી પુરવઠાનો વર્ષોથી સદંતર અભાવ જોવા મળે છે. નગરમાં આવેલ બે વોટરવર્ક્સ ના કુવામાથી આવતા ગામમાં પીવાના પાણીની નિયમિત અને પૂરતી વ્યવસ્થા નથી. તો બીજી તરફ ઉકાઈ જળાશયમાંથી આવતા શુદ્ધ પીવાનું પાણી આજદિન સુધી નગરમાં મુકવામા આવેલા એકપણ નળોમા પહોંચ્યા નથી. ઘણા વિસ્તારોમાં પાણીનો અભાવ રહે છે, જેના કારણે નાગરિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડે છે.અને પીવાના પાણી માટે બેડાઓ માથે મૂકીને માતા બહેનોએ આમતેમ ભટકવું પડે છે.
તાલુકા મથક હોવા છતાં અહીં વર્ષો પહેલા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ગટર લાઈનમાં બ્લોકેજ થવાથી અનેક જગ્યાએ ગટર લાાઇન બંધ થઈ ગયેલ હોઈ ગામમાં ઠેર ઠેર ગટરો ઉભરાઇ રહી છે. ખાસ કરીને જંગલ ફળિયું તેમજ શિવાજીનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ગંદા પાણી સદર ફળિયામાં જાય છે અને રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતા છે જેથી જૂની ગટર લાઇન બંધ કરી નવી ઓપન ગટર લાઇન બનાવવામાં આવે અને ગટર વ્યવસ્થાની સમસ્યાનું સમાધાન લાવવામા આવે.
સાથે સાથે નગરના મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ આંતરિક ગલીઓમાં પૂરતી સ્ટ્રીટ લાઇટ ન હોવાથી રાત્રે અંધારપટ છવાયેલો રહે છે જેના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને અસુરક્ષિતાનો અનુભવ થાય છે. તેમજ જંગલ વિસ્તાર નજીક હોય જંગલી પ્રાણીઓનો પણ ખતરો રહેલ છે જેથી નગરમાં સ્ટ્રીટ લાઈટોની પુરતી વ્યવસ્થા કરવામાં આવે.
સાગબારા તાલુકા મથક નું ગામ હોવા છતાં ગામના રસ્તાઓ છેલ્લા 20-20 વર્ષથી બન્યા નથી જેથી ગામના રસ્તાઓનું વહેલીટકે નવીનીકરણ કરવામાં આવે ,કારણ કે ઉબડખાબડ રસ્તાઓના પગલે વાહન ચાલકો સહિત પગપાળા ચાલતા નગરજનોને ચોમાસા દરમિયાન મુશ્કેલીઓ પડી રહી છે.ત્યારે નગરના રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને લોકોને પડતી સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે તે માટે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નગરના રસ્તાઓના નવીનીકરણ માટે જરૂરી અનુદાન (ગ્રાન્ટ) ફાળવવા આવે અથવા તે માટે ઉપલી કચેરીમાં દરખાસ્ત મોકલવામાં આવે અને કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે જેથી નાગરિકો ને પડતી મુશ્કેલીઓ માંથી છુટકારો મળે.
સાગબારા તાલુકા મથક હોવાથી આ પ્રાથમિક સુવિધાઓની જોગવાઈ અત્યંત આવશ્યક છે. જેથી ગ્રામ પંચાયત કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરી જનસામાન્યની સુવિધા વધારવામાં આવે તેવી માંગ કરી હતી.આવેદનપત્ર આપતી વેળા તાલુકા કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિલાવર કોઠારી, પ્રદેશ કૉંગ્રેસના ડેલીગેટ સુરેશ વસાવા, જ્યોતિષ કોલપે, દિપક બોરસે, નિલેશ વસાવા, રાજકુમાર વસાવા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(11:47 PM IST)