News of Friday, 28th August 2026
વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં હર્ષોલ્લાસથી રક્ષાબંધન પર્વની ઉજવણી
ભાઈઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને રોકડ રકમ, સાડી, ડ્રેસ, સોના-ચાંદીની વસ્તુઓ સહિતની ભેટ આપી : અનેક લોકોએ વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનના પાવન દિવસે વહેલી સવારથી બહેનોએ ભાઈના ઘરે જઈ ભાઈને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી. ત્યારબાદ મીઠાઈ કે પેંડા ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી. ભાઈઓએ પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને રોકડ રકમ, સાડી, ડ્રેસ, સોના-ચાંદીની વસ્તુઓ સહિતની વિવિધ ભેટ આપી હતી. કેટલીક બહેનોએ ભાઈઓ ઉપરાંત પોતાના વાહનોને પણ રાખડી બાંધી હતી.
આ ઉપરાંત વિરમગામ શહેરના મંદિરોમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને આરતી ઉતારવામાં આવી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રક્ષાબંધનના દિવસે રૂબરૂ આવી ન શકનાર બહેનોએ અગાઉથી જ કુરિયર અથવા પોસ્ટ દ્વારા ભાઈના ઘરે રાખડી પહોંચાડી હતી. આજના ડિજિટલ યુગમાં રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવા માટે વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પૌરાણિક કથાઓની સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ-અલગ સ્વરૂપોની ઝાંખી જોવા મળે છે. જોકે, સમયની સાથે આ પર્વમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે રક્ષાબંધન સંપૂર્ણપણે ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના પ્રતીક તરીકે ઉજવાય છે.
આ પર્વમાં બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધી તેના સુખી અને સ્વસ્થ જીવનની શુભકામના પાઠવે છે, જ્યારે ભાઈ પોતાની બહેનની હંમેશા સાથે રહેવા અને તેની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. આમ, રક્ષાબંધન માત્ર એક દિવસનું પર્વ ન રહેતાં ભાઈ-બહેનના જીવનભરના પ્રેમ, લાગણી અને સંબંધને વધુ મજબૂત બનાવતું પર્વ બની રહ્યું છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
