<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સંજીવની જેવી દવા, યમદૂત બને તે પહેલા ગુજરાત સહિતના રાજ્‍યોમાં દરોડા

દવાઓ બાબતે રાજ્‍ય સરકારની કડક પોલિસીનો ચુસ્‍ત અમલ કરાવવાના હર્ષભાઈ સંઘવીના સૂચન પગલે પગલે, અમદાવાદ સીપી અનુપમસિંહ ગેહલોતે ફરિયાદ મળતા જ jcp શરદ સીંઘલ સાથે ચર્ચા કરી, ડીસીપી અજિત રાજિયાણના નેતળત્‍વમાં ક્રાઇમ બ્રાન્‍ચ ટીમો મારફતે ઓપરેશન સંજીવની શરૂ કરાવ્‍યું : અમદાવાદ, નડિયાદ, અંકલેશ્વર, કચ્‍છથી શરૂ કરી જયપૂર, લખનૌ સુધી દેશના વિવિધિ રાજ્‍યોમાં સાથે તાર જોડાયા હોવાનો ઘટસ્‍ફોટઃ ક્રાઇમ બ્રાન્‍ચ pi વી. બી. આલને સંકલન જવાબદારી સુપરત

રાજકોટ તા.૨૮: નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવીની રાજ્‍ય સરકારે નક્કી કરેલ પોલિસીના કડક અમલવારી માટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્‍ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન અને ડીસીપી અજીત રાજીયાણના નેતળત્‍વમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.બી.આલ ટીમ સહિત વિવિધ ટીમો દ્વારા ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ સાથે લોકોના આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભી કરતી બનાવટી દવાઓ શોધી કાઢવા જોઈન્‍ટ ઓપરેશન શરૂ કરતા તબીબી જગતમાં સન્નાટો મચી ગયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કંટ્રોલ એડમિનિસ્‍ટ્રેશન, ગુજરાત સાથે સંયુક્‍ત ઓપરેશન હાથ ધરી હાઈ બ્‍લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાઓના ઉત્‍પાદન અને આંતરરાજ્‍ય વિતરણ સાથે સંકળાયેલ સિન્‍ડિકેટનો પર્દાફાશ કરી અમદાવાદ અને લખનઉથી ત્રણ શખ્‍સોની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન ગુજરાતના અમદાવાદ, નડિયાદ, ભુજ વિગેરે સ્‍થળે જે નકલી દવાનો સ્‍ટોક હતો, તે લખનૌથી અમદાવાદના એક સપ્‍લાયર તરફથી અને કચ્‍છ, ભુજમાંથી મળેલ જથ્‍થો જયપુરથી આવ્‍યાનો ઘટ્‍સફોટ થયો છે.

ગત તા. ૧૯-૦૮-૨૦૨૬ ના રોજ જે.બી. કેમિકલ્‍સ એન્‍ડ ફાર્માસ્‍યુટિકલ્‍સ લિ., અંકલેશ્વર NICARDIA RETARD 10 (Batch No. ACG25007)  ની નકલી દવા બજારમાં ફરી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

આરોપીઓએ અસલી જેવી જ પેકિંગ, લેબલ અને બેચ ડિટેલ સાથે નકલી દવા બનાવી હતી, જે દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ અંગે DCB પોલીસ સ્‍ટેશન ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૬૦૨૭૪/૨૦૨૬ થી BNS હેઠળ ગુનો નોંધી તા. ૨૬-૦૮-૨૦૨૬ ના રોજ રાત્રે ૨૧:૪૫ કલાકે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ૧. દશિલ ગિરીશભાઈ સંઘવી (૩૯) રહે. પાલડી, અમદાવાદ, ૨. દેવેન્‍દ્ર રામનાથ યાદવ (૩૯) રહે. લખનઉ, ઉ.પ્રદેશ, ૩. ઉમંગ અભય રસ્‍તોગી (૩૪) રહે. લખનઉ,  ઉત્તર પ્રદેશનો સમાવેશ છે.

 

(11:06 AM IST)