તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો, શનિવારે બે મંત્રીઓ ખેડૂતોને મળશે
સાંસદ મનસુખભાઈ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ; ઉમરપાડા ઘર્ષણ અને સાગબારાના ધરણા મુદ્દે ચર્ચા

( ભરત શાહ ભાઈ : નર્મદા :સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીન સહિતના વિવિધ પ્રશ્નો હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ સરકારના ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ બેઠક કરી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરતાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાગબારા પહોંચીને ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે.
ગાંધીનગરમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણનો મુદ્દો તેમજ સાગબારામાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ખેડૂતોના ધરણા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા જમીનના દાવાઓનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો.
સરકારે નિર્ણય લીધો છે કે બંને મંત્રીઓ સાગબારા આવી ખેડૂતોની રજૂઆતો અને જમીન સંબંધિત દાવાઓ અંગે સીધી વાતચીત કરશે. ખાસ કરીને સાગબારા સહિતના વિસ્તારોમાં પેન્ડિંગ રહેલા અંદાજે 80 હજાર જેટલા દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવાની દિશામાં ચર્ચા કરવામાં આવશે.
જમીન પર ખેડૂતોના હક્ક અને જંગલ જમીનના દાવાઓ અંગે જરૂરી પુરાવાઓને આધારે નિર્ણય લેવામાં આવશે તેવી સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
હવે શનિવારે યોજાનારી મંત્રીઓ અને ખેડૂતો વચ્ચેની બેઠક પર સૌની નજર રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીન વિવાદનો આ બેઠક બાદ કોઈ ઉકેલ આવે છે કે કેમ તે મહત્વનું બનશે. ખેડૂતો પણ પોતાની મુખ્ય માંગણીઓ અને પુરાવાઓ સાથે મંત્રીઓ સમક્ષ રજૂઆત કરશે.
સાગબારા પહોંચનારા બંને મંત્રીઓ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી તેમના દાવાઓ અને રજૂઆતો સાંભળશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા જંગલ જમીન વિવાદના ઉકેલ તરફ મહત્વપૂર્ણ શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
