તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
અલનીનોની અસર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવશે જોરદાર રંગ
ચોમાસાના વિરામ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર; સપ્ટેમ્બરના પ્રારંભે જ અરબ સાગર સક્રિય થતાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ ખાબકવાની શક્યતા.

રાજકોટ : ગુજરાતમાં શ્રાવણ માસ અડધો વીતી જવા છતાં અપેક્ષિત વરસાદ ન વરસવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સિઝનનો પૂરો વરસાદ ન થવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. હાલમાં બંગાળના ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જવાના કારણે રાજ્યમાં ચોમાસાને બ્રેક લાગી છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સપ્ટેમ્બરમાં મેઘરાજાના પુનરાગમનની મોટી આગાહી કરી છે, જેનાથી ખેડૂતોમાં ફરી આશા જાગી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો અને જોરદાર રાઉન્ડ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં 3 ઇંચ કે તેથી વધુ, મધ્ય ગુજરાતમાં આશરે 4 ઇંચ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 3 થી 4 ઇંચ જેટલો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ રાઉન્ડમાં વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.
અલનીનોની અસરને કારણે અરબ સાગરમાં હલચલ મચશે અને બંગાળના ઉપસાગરનો ભેજ ત્યાં પહોંચતા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દરિયામાં ભારે પવન ફૂંકાશે, જેના પરિણામે મેઘરાજા ફરી સક્રિય થશે. અંબાલાલ પટેલે ઉમેર્યું છે કે 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે પડનારું પાણી કૃષિ પાક માટે ક્યારેક મર્યાદિત સાબિત થઈ શકે, પરંતુ 13 સપ્ટેમ્બર પછી જે વરસાદ વરસી શકે તેનું પાણી પાક માટે અત્યંત ગુણકારી અને લાભદાયી સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 75.23 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 103.36 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 74.91%, ઉત્તર ગુજરાતમાં 56.23%, સૌરાષ્ટ્રમાં 56% અને કચ્છમાં સૌથી ઓછો 29.29% વરસાદ જ નોંધાયો છે. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યારે સપ્ટેમ્બરની આ આગાહી રાહત લઈને આવી છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
