<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ગેરકાયદે કોસ્મેટિક્સ પ્રવૃત્તિ સામે FDCA ની લાલ આંખ: ત્રાગડ-અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ‘આનકી હર્બલ’નો રૂ.૨.૬૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

નકલી દવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ-ખોરાક ઔષધ નિયમન તંત્ર વિભાગનું સફળ ઓપરેશન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપ્યા અભિનંદન

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ગુજરાત રાજ્યના કમિશનરના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં ગેરકાયદેસર કોસ્મેટિક ઉત્પાદન અને રીપેકિંગ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી આવી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારના ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ ઝુંબેશ અંતર્ગત કમિશનરશ્રીને મળેલી ગુપ્ત બાતમીના આધારે, તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તંત્રની ટીમ દ્વારા અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આ પેઢી જરૂરી લાઇસન્સ મેળવ્યા વિના તથા ગુણવત્તાનું પરીક્ષણ કર્યા વગર જ ગેરકાયદેસર રીતે કોસ્મેટિક્સનું ઉત્પાદન અને બલ્ક પેકમાંથી રીપેકિંગ કરતી હોવાનું સામે આવ્યું હતું.
‘આનકી હર્બલ’ નામની પેઢી પર કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ફેરનેસ ક્રીમ, ડાર્ક સર્કલ ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી વોશ, ફેસ વોશ, સ્ક્રબ, સોલિડ પરફ્યુમ તેમજ ગ્લિસરીન બેઝ સાબુનો જથ્થો, કાચો માલ, પેકિંગ મટીરીયલ અને છાપેલા લેબલ્સ સહિત કુલ રૂ.૨.૬૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તંત્રની વધુ તપાસમાં ખુલાસો થયો છે કે, આ પ્રવૃત્તિ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ સ્થિત ‘રવી માર્કેટીંગ’ પાસેથી ખરીદવામાં આવતું હતું, જ્યારે શિવાન્તા રીગેલના ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકીંગ અને ગ્લિસરીન સાબુનું ગેરકાયદેસર ઉત્પાદન ચાલતું હતું. આ બાબતે ‘રવી માર્કેટીંગ’ ખાતે પણ તપાસ લંબાવવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી ઔષધિય ગુણવત્તાની ચકાસણી માટે ૧૦ વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂનાઓ લઈ લેબોરેટરી પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
તાજેતરમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સંયુક્ત ઓપરેશન દરમિયાન બ્લડ પ્રેશર (બી.પી.) ની નકલી દવાઓ બનાવી તેનું વેચાણ કરતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સામેલ અમદાવાદ અને લખનઉ -ઉત્તર પ્રદેશના કુલ ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ કામગીરી બદલ આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સહિત ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.
આ સાથે મંત્રીએ ગુજરાતની જનતાને આશ્વસ્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ગુનેગારો સામે કોઈપણ જાતની બાંધછોડ કર્યા વિના કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરશે અને આરોપીઓને સખત સજા અપાવશે.

(10:53 PM IST)