તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
ગુજરાત પાસે અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં વરસાદી માહોલ: અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભાદરવી હેલીના એંધાણ!
દક્ષિણ અને પશ્ચિમી પવનો સાથે લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે મેઘમહેર થશે; ૩ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી.

અમદાવાદ : સમગ્ર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૩.૧ કિલોમીટર ઉપર એક મજબૂત અપર એર સાઇક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અગત્યની આગાહી જારી કરી છે. વાતાવરણમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યા છે તથા દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર પણ લો પ્રેશર સર્જાયેલું હોવાથી ગુજરાતભરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગ અનુસાર, ૨૭ અને ૨૮ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ-થરાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં વરસી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ તથા સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ વિજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આગામી ૨૯ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. બંગાળની ખાડી તરફથી પસાર થઈ રહેલી મોન્સૂન ટ્રફના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સમયાંતરે હળવા વરસાદી સ્પેલ જોવા મળશે, જેનાથી લોકોને બફારા અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
