<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

કાલુપુર રેલવે સ્ટેશન પર વિજિલન્સ ટીમ એક્શન મોડમાં: ફૂડ સપ્લાઈ કરતા બે બેઝ કિચન સામે મોટી કાર્યવાહી: 15 લાખનો દંડ ફટકારાયો

ચણા અને તુવેરદાળ અંગેની ફરિયાદ બાદ થયેલી કાર્યવાહીમાં દંડની સાથે કિચનની કામગીરી બંધ કરી દેવાઈ

અમદાવાદ રેલવેના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને પીરસાતા ભોજનની ગુણવત્તાને લઈને મળેલી ફરિયાદ બાદ ફૂડ વિજિલન્સ ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DRM વેદ પ્રકાશની અંડર ટીમ દ્વારા સ્ટેશન પર ફૂડ સપ્લાય કરતા કેટરર્સ અને તેમના બેઝ કિચનની તપાસ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે મુસાફરોને પીરસાતા ભોજનમાં ગુણવત્તા અંગે ફરિયાદ મળી હતી. ખાસ કરીને ચણા અને તુવેરદાળમાં જીવાત હોવાની ફરિયાદને પગલે ટીમે સંબંધિત કિચનમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય ગુણવત્તા અને ભોજન બનાવવાની પ્રક્રિયામાં બેદરકારી સામે આવતા બે બેઝ કિચન સામે કાર્યવાહી કરવામાં આવી.સરસપુરમાં આવેલી અચાભાઈની ચાલીમાં કાર્યરત AJS કેટરરને ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જીવીસ ચાલીમાં આવેલા RK Associates & Hotelsને ₹10 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ બંને કેટરર્સ સામે કુલ ₹15 લાખની પેનલ્ટી કરવામાં આવી છે.

 

રેલવે ફૂડ વિજિલન્સ ટીમે બંને કિચનમાં ભોજન બનાવવાની પ્રક્રિયા તાત્કાલિક બંધ કરાવી હતી. સાથે જ કિચનની તાત્કાલિક અને સંપૂર્ણ સફાઈ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંને કિચન બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને મળતા ભોજનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આવી સરપ્રાઈઝ તપાસ વધુ કડક બનાવવામાં આવી શકે છે.

 

મુસાફરોની ફરિયાદને આધારે થયેલી આ કાર્યવાહીથી રેલવે કેટરિંગમાં Food Safety અને Hygiene Standards અંગે બેદરકારી સામે તંત્રની કડક કાર્યવાહીનો સંદેશ ગયો છે.

(9:04 PM IST)