News of Wednesday, 26th August 2026
સપ્ટેમ્બરમાં મેઘરાજા સટાસટી બોલાવશે :સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકશે :દરિયામાં ભારે પવન ફૂંકવાની ચેતવણી
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાને લઈને મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી કરી

ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન હાલ મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું છે અને રાજ્યમાં હજુ પણ સિઝનનો 7 % વરસાદ ઘટ (સૌરાષ્ટ્રમાં 30 %) છે. બીજી તરફ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની અને 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકવાની ચેતવણી આપી છે.
રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જોકે, રાહતની વાત એ છે કે રાજ્યમાં હજુ પણ કુલ વરસાદની 7 ટકા ઘટ ચાલી રહી છે, જેમાં ગુજરાત રીજનમાં 9 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે
આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાને લઈને મહત્વપૂર્ણ અને ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો તેમજ દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહી શકે છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ સમયગાળામાં પડી રહેલું વરસાદી પાણી કૃષિ પાકો માટે અનુકૂળ કે સારું નથી. આ સાથે જ આગામી 12 સપ્ટેમ્બરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
