<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રેલવે તંત્રનો ખાદ્ય માફિયાઓ પર આકરો પ્રહાર: ૧૫ બેઝ કિચન પર ઓચિંતા દરોડા, રૂ. ૪૦ લાખનો દંડ અને એક યુનિટ સીલ!

અમદાવાદ મંડળની ફૂડ વિજિલન્સ ટીમનું મેગા સર્ચ ઓપરેશન: સડેલા શાકભાજી, એક્સપાયરી ડેટનો માલ અને અત્યંત અસ્વચ્છતા સામે રેલવે તંત્રની લાલ આંખ

અમદાવાદ : મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કેટરિંગ કોન્ટ્રાક્ટરો સામે અમદાવાદ રેલવે મંડળે લાલ આંખ કરી છે. જાહેર સ્થળો અને ટ્રેનોમાં મળતા ભોજનની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડીઆરએમ (DRM) વેદ પ્રકાશના નિર્દેશ હેઠળ ગઠિત ફૂડ વિજિલન્સ ટીમ દ્વારા અમદાવાદ અને આસપાસના ૧૫ જેટલા બેઝ કિચન અને કેટરિંગ એકમો પર એકસાથે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કડક તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ કુલ ૪૦ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે અત્યંત ગંદકી ધરાવતા એક એકમ પર તાળા મારી દેવામાં આવ્યા છે.

 

સરસપુરના બેઝ કિચનમાં ગંદકીનો અંબાર: ૫ લાખનો દંડ અને સીલિંગ

તપાસ દરમિયાન સરસપુર સ્થિત ડબ્બા બજારના એક બેઝ કિચનમાં ખુલ્લા અને સીલ વગરના મસાલા, વાસી-સડેલા શાકભાજી, ખરાબ ફ્રીઝર અને અત્યંત અસ્વચ્છતા જોવા મળી હતી. ત્યાં કર્મચારીઓ પાસે યુનિફોર્મ કે સેફ્ટી ગિયર પણ નહોતા. આ ગંભીર બેદરકારી બદલ આ યુનિટને રૂ. ૫ લાખનો દંડ ફટકારીને સ્થળ પર જ બંધ (સીલ) કરી દેવાયું હતું. આ ઉપરાંત સરસપુરના અન્ય એક યુનિટને મંજૂર થયેલા સ્થળે રસોઈ ન બનાવવા બદલ પણ ૫ લાખનો દંડ કરાયો હતો.

 

વોરાના રોઝા કિચનમાં એક્સપાયરી ડેટનો સામાન મળતાં ૧૦ લાખનો દંડ

સરસપુર નજીક વોરા ના રોઝા ખાતે આવેલા બેઝ કિચનમાં તપાસ દરમિયાન એક્સપાયરી ડેટ વિતી ગઈ હોય તેવી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત યોગ્ય વેન્ટિલેશન અને સ્વચ્છતાનો અભાવ હોવાથી તેને સૌથી વધુ ૧૦ લાખ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

સાબરમતી અને ગુજરાત યુનિવર્સિટી નજીકના કિચનો પર કાર્યવાહી

સાબરમતીના ધર્મનગર બેઝ કિચનમાં સડેલા બટાકા, ગટરની તૂટેલી જાળીઓ અને ગંદકી મળતા ૫ લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. જ્યારે ગુજરાત યુનિવર્સિટી નજીક વિષ્ણુ એસ્ટેટના કિચનમાં માખીઓનો ઉપદ્રવ, કાચી-પાકી રોટલીઓ અને તાપમાનનો રેકોર્ડ ન રાખવા બદલ ૫ લાખનો દંડ વસૂલાયો હતો.

 

આ સિવાય ગાંધીધામ, મહેસાણા, પાલનપુરના બેઝ કિચન તેમજ વિરમગામના રિફ્રેશમેન્ટ રૂમમાં પણ ક્ષતિઓ સામે આવતા રેલવે વહીવટીતંત્રે કડક દંડાત્મક પગલાં લીધા છે. રેલવેના આ નિર્ણયથી બેદરકાર કોન્ટ્રાક્ટરોમાં ભારે ફાળ પડી છે.

(7:13 PM IST)