<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ગાંધીનગરમાં જીબીયુ ખાતે વિઝડમ-વન્ડર ૨૦૨૬ રાષ્ટ્રીય સંમેલન સંપન્ન:વિજ્ઞાન, સંશોધન, નવીનતા અને મહિલા નેતૃત્વ અંગે દેશભરના નિષ્ણાતોનું મંથન

બે દિવસીય સંમેલનમાં દેશભરમાંથી અગ્રણી વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને યુવા સંશોધકોએ ભાગ લીધો

ગાંધીનગર : ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (જીબીયુ), ગાંધીનગર ખાતે ઇન્ડિયન નેશનલ યંગ એકેડેમી ઓફ સાયન્સ (INYAS)ના નેજા હેઠળ તા. ૧૭ અને ૧૮ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘વિઝડમ-વન્ડર ૨૦૨૬’ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય સંમેલનમાં દેશભરમાંથી અગ્રણી વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને યુવા સંશોધકોએ ભાગ લીધો હતો.
  સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રમુખ પ્રો. શેખર માંડે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રો. અશ્વિની પરીક, Executive Director, NABI, પ્રો. ગીતા રાયસમ, Director, CSIR–NIScPR, જીબીયુના રજિસ્ટ્રાર ડો. જીતેન્દ્ર લિલાણી, જીબીયુના ડિરેક્ટર પ્રો. રાકેશ રાવલ, ડો. મોહિત ત્યાગી, Chair, INYAS, ડો. નિશા સિંઘ, Convener, WONDER 2026, ડો. કિરણ બાલા, Convener, WONDER 2026 અને ડો. મીના ક્રિશાનીયા, Co Coordinator WONDER 2026 સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘વિઝડમ-વન્ડર ૨૦૨૬’ની વિઝન પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
  સંમેલનમાં લાઈફ સાયન્સિસ અને ટ્રાન્સલેશનલ રિસર્ચ, પર્યાવરણ અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ, સસ્ટેનેબિલિટી એન્જિનિયરિંગ તથા એન્ટરપ્રિન્યોરશિપ, ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રી લિંકેજ જેવા વિષયો પર વિવિધ ટેકનિકલ સત્રો, નિષ્ણાત વ્યાખ્યાનો અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. એઆઈના જવાબદાર ઉપયોગ, ટકાઉ વિકાસ, મહિલા નેતૃત્વ, ખાદ્ય સુરક્ષા તથા સંશોધન-ઉદ્યોગ સહયોગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા થઈ હતી.
  મહિલા નેતૃત્વ અંગેના સત્રમાં ડો. સ્નેહલ બગથરીયા, Joint Director, GSBTM, DST, Government of Gujarat ડો. સંધ્યા લક્ષ્મણન, ડો. ક્ષમા અવસ્થી, ડો. દક્ષા સખીયા, ડો. જયંતી ગણપતિ, ડો. જીવન જ્યોતિ અને ડો. સંગીતા સિંહ સહિતના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. યુવા સંશોધકો માટે ફ્લેશ ટોક, પોસ્ટર પ્રેઝન્ટેશન તથા લીડરશીપ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
  બીજા દિવસે ડો. સ્નેહલતા સિંગલા પરીક દ્વારા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ટેકનોલોજી અંગે મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ઇનોવેશન અને ઉદ્યોગ જોડાણ અંગેના સત્રમાં ડો. શિખ ધવન, ડો. અનુસૂયા એલ. ભાડલકર, ડો. અનુજ જાખડ અને ડો. પ્રાચી મોતીયાણી સહિતના નિષ્ણાતોએ સંશોધન અને ઉદ્યોગ વચ્ચેના સહયોગ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
 સમાપન સમારોહમાં પ્રો. અશ્વિની પરીક, પ્રો. રાકેશ રાવલ અને ડો. જે. સી. લીલાણીની ઉપસ્થિતિમાં ઓરલ પ્રેઝન્ટેશન, પોસ્ટર કોમ્પિટિશન અને ગ્રુપ એક્ટિવિટીના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. 
‘વિઝડમ-વન્ડર ૨૦૨૬’ દ્વારા ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝનને અનુરૂપ વિજ્ઞાન, સંશોધન, નવીનતા, ટકાઉ વિકાસ અને મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મંચ પૂરું પાડવામાં આવ્યું હતું.

(6:48 PM IST)