તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 24th August 2026
PDEU-ગાંધીનગર ખાતે 'સમિટ ઓફ ધ ફ્યુચર: SEQUENCE 2026' સમિટ યોજાઈ: ગુજરાત બનશે ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર હબ
નવી પેઢી હવે માત્ર ટેકનોલોજીની વપરાશકર્તા નથી રહી, પરંતુ તે પોતે જ સંશોધક, સર્જક અને ઉદ્યોગસાહસિક બની રહી છે :- સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા:સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના પરસ્પર સહયોગ માટે PDEUના વિવિધ કંપનીઓ સાથે MOU

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ એક્શન જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક વિષયો પર 'Summit of the Future: SEQUENCE 2026' યોજાઈ હતી.
આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતે કેમિકલ, ટેક્સટાઇલ, ડાયમંડ અને લોજિસ્ટિક્સ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલાયદા વિભાગ તરીકે 'સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ'ની સ્થાપના કરીને રાજ્યમાં 'સનરાઈઝ સેક્ટર્સ' માટે મજબૂત પાયો નાખ્યો હતો. જેના પરિણામે છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતે આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' (ISM) હેઠળ દેશભરમાં મંજૂર થયેલા ૧૨ રોકાણ પ્રપોઝલ્સમાંથી ૬ પ્લાન્ટ્સ માત્ર ગુજરાતમાં જ સ્થાપિત થઈ રહ્યા છે. રાજ્યમાં 'કેન્સ સેમિકોન' (Kaynes Semicon) અને 'સીજી સેમી' (CG Semi) સહિતના મહાકાય પ્રોજેક્ટ્સ ઝડપથી આકાર લઈ રહ્યા છે અને આગામી એક વર્ષમાં તેનું ઉત્પાદન શરૂ થાય તેવી શક્યતા છે. આ સાથે જ ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન દ્વારા કેમિકલ્સ, ગેસ અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ માટેની એક મજબૂત અને સંપૂર્ણ ઇકોસિસ્ટમ ગુજરાતમાં વિકસાવવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી અને ચંદ્રયાન-૩ ની ઐતિહાસિક સફળતાને યાદ કરતા સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉદાર અને પ્રોત્સાહક નીતિઓના પરિણામે આજે દેશમાં ૩૫૦ થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ સફળતાપૂર્વક કાર્યરત થયા છે. અમદાવાદ નજીક સાણંદ ખાતે 'ગુજરાત સ્પેસ પાર્ક' આકાર લઈ રહ્યો છે, જ્યાં 'અઝિસ્ટા સ્પેસ' (Azista Space) કંપનીએ નાના ઉપગ્રહોના ઉત્પાદન માટેની અત્યાધુનિક સુવિધા સ્થાપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની સ્પેસ ઇકોનોમી ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોચશે તેવો વિશ્વાસ પણ મંત્રીએ વ્યકત કર્યો હતો.
મંત્રીએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે, નવી પેઢી હવે માત્ર ટેકનોલોજીની વપરાશકર્તા નથી રહી, પરંતુ તે પોતે જ સંશોધક, સર્જક અને ઉદ્યોગસાહસિક બની રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર તમામ ક્ષેત્રોના ૩૬૦ ડિગ્રી સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહી છે તેમ જણાવી મંત્રીએ દેશ-વિદેશના તમામ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સને ગુજરાતમાં પોતાનો બેઝ સ્થાપવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે PDEU ખાતે ટૂંક સમયમાં જ અત્યાધુનિક 'સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્લાઇમેટ ઍક્શન' શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મંત્રીશ્રીએ કરી હતી.
ભારતમાં તાઇવાનના પ્રતિનિધિ ડૉ. મુ-મિન ચેને (Dr. Mumin Chen) જણાવ્યું હતું કે, તાઇવાન ભલે કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ એક નાનો દ્વીપ-દેશ હોય, પરંતુ તેણે પોતાની અદ્યતન ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણ દ્વારા વૈશ્વિક સ્તરે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ ૧૯૫૦ના દાયકાથી શરૂ કરીને આજે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવા પાછળ તાઇવાનનું મજબૂત IT સેક્ટર અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી મુખ્ય પરિબળ છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સથી લઈને અદ્યતન ડિજિટલ સાધનોને ગતિ આપતી ચિપ્સનું ઉત્પાદન કરીને તાઇવાને સંશોધન અને વેપારના સહયોગથી અભૂતપૂર્વ આર્થિક વિકાસ સાધ્યો છે.
ડૉ. ચેને વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને તાઇવાન વચ્ચે ટેકનોલોજીકલ સહયોગ સતત વધી રહ્યો છે. વર્તમાન સમયમાં લગભગ ૩૫૦ જેટલી તાઇવાની કંપનીઓએ ભારતમાં ૬ અબજ ડોલરથી વધુનું રોકાણ કરીને ૨ લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. દક્ષિણ ભારતના રાજ્યો ઉપરાંત હવે ગુજરાત પણ સેમિકન્ડક્ટર અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગોના રોકાણ માટે એક પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રે ભવિષ્યના ટેલેન્ટની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તાઇવાન હવે ભારતીય વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને અગ્રણી યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન તેમજ સંયુક્ત સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે, 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના શૈક્ષણિક ક્ષેત્ર અને ઉદ્યોગોએ હાથ મિલાવીને કામ કરવું અત્યંત જરૂરી છે. ગુજરાત હંમેશા નવીન વિચારો અને વિકાસલક્ષી કાર્યોને ઝડપથી અમલમાં મૂકવા માટે અગ્રેસર રહ્યું છે. અહીં સ્વાયત્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ થકી દેશની યુવા પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે, જે રાષ્ટ્રના નવનિર્માણમાં સિંહફાળો આપી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના આધુનિક યુગમાં સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગ્રીન એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ સામે સક્ષમ બનવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ તથા સસ્ટેનેબલ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. એકેડેમિક્સ, ઔદ્યોગિક જગત અને નીતિ નિર્ધારકોના સંયુક્ત પ્રયાસોથી જ ભારત ૨૦૪૭ સુધીમાં એક મજબૂત, સમૃદ્ધ અને પર્યાવરણ-અનુકૂળ વિકસિત રાષ્ટ્ર તરીકે ઊભરી આવશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ના ડાયરેક્ટર જનરલ ડૉ. એસ. સુંદર મનોહરને સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, 'SEQUENCE 2026' એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'નયા ભારત'ના વિઝનને સાકાર કરવા તરફનું એક અગત્યનું કદમ છે, જેનો મુખ્ય આધાર અદ્યતન ટેકનોલોજી અને ડિજિટલ લીપ-ફ્રોગિંગ (Digital Leap-frogging) છે. આ ભવ્ય લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર, ઔદ્યોગિક જગત અને શૈક્ષણિક સંસ્થાઓ (Academia) વચ્ચેનું ત્રિવેણી સંગમ સમાન જોડાણ અત્યંત અનિવાર્ય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, PDEU યુનિવર્સિટીએ સ્કિલિંગના ક્ષેત્રમાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને પૂરવા માટે પોતે એક 'ઇન્ડસ્ટ્રી હબ' બનીને ઐતિહાસિક પહેલ કરી છે. જેમાં સોલાર પેનલનું ઉત્પાદન તેમજ નિકાસ અને વૈશ્વિક ક્ષેત્રની અગ્રણી કંપની 'માઇક્રોન' (Micron) સાથે મળીને સેમિકન્ડક્ટર મિશન હેઠળ અત્યાધુનિક ATMP (Assembly, Testing, Marking and Packaging) તાલીમ સુવિધા શરૂ કરવાનો સમાવેશ થાય છે. સરકારના પ્રોત્સાહન અને ઉદ્યોગપતિઓના સહયોગથી આજે શિક્ષણ જગત નવી ક્ષમતાઓ કેળવી રહ્યું છે, જે ગુજરાતથી શરૂ થઈને સમગ્ર દેશમાં 'વિકસિત ભારત'ના મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
કાર્યક્રમ દરમિયાન 'QpiAI' ના સંસ્થાપક અને સીઈઓ ડૉ. નાગેન્દ્ર નાગરાજાએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ભવિષ્ય અંગે તથા 'કેન્સ સેમિકોન' (Kaynes Semicon) ના ઓપરેશન હેડ પોલ ઇલાંગોવને દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અંગે અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ વિગતો રજૂ કરી હતી. અંતમાં, PDEU ની સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર પ્રો. અનીર્બિદ સરકારે ઉપસ્થિત તમામ મહાનુભાવો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરીને આભારવિધિ સંપન્ન કરી હતી.
આ પ્રસંગે અત્યાધુનિક 'સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) - ક્વોન્ટમ કમ્પ્યુટિંગ' નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેમજ તેને સંબંધિત એક વિશેષ વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો.
આ સમિટ દરમિયાન શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના પરસ્પર સહયોગ માટે PDEU દ્વારા 'QpiAI', ‘Space Society Of Mechanical Engineers’, ‘Universitas Jember-Indonesia’, ‘Oizom Intruments Pvt.Ltd., ‘Reliance Industries Limited, ‘BAJAJ Engineering Skills Training Centre’, ‘NIPER-A Ahmedabad’ તેમજ ‘ONGC Green LTD’- સાથે (MoUs) નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સંબંધિત વિષય પરના એક વિશેષ પુસ્તકનું વિમોચન પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઘાના, મોઝામ્બિક, યુએસ કોન્સ્યુલેટ, બ્રિટિશ દૂતાવાસના પ્રતિનિધિઓ તેમજ ૫૦થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
