તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
પવિત્ર શ્રાવણ માસમાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તીકરણ માટે ૭ પ્રમુખ યાત્રાધામોમાં "શ્રાવણ ઉત્સવ"નું ભવ્ય આયોજન : ૧૬૫ સખી મંડળની ૩૦૦ બહેનો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓનું કરાશે પ્રદર્શન-સહ-વેચાણ
જીએલપીસી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમિયાન 'વોકલ ફોર લોકલ' અને 'લખપતિ દીદી' અભિયાનને વેગ આપવા બહેનોને વિનામૂલ્યે સ્ટોલ, રહેવા અને જમવાની પૂરી પાડવામા આવશે સુવિધા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોમાં રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ ધાર્મિક પર્વોના અવસરે સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૬ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના ૭ મુખ્ય ધાર્મિક સ્થળો પર "શ્રાવણ ઉત્સવ" મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શન-સહ-વેચાણ મેળામાં ૧૬૫ સખી મંડળની અંદાજે ૩૦૦ બહેનો માટે ૧૬૫ જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક બહેનો દ્વારા પોતાના હાથે નિર્મિત ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી તેમજ ઘર સજાવટની વિવિધ આકર્ષક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ ઉત્સવ દરમિયાન ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સખી મંડળની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ ત્યાં આવનાર બહેનો માટે રહેવા તેમજ જમવાની તમામ સુવિધાઓ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ શ્રાવણ ઉત્સવ હેઠળ પ્રથમ તબક્કામાં તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન ગીર સોમનાથના સોમનાથ મહાદેવ મંદિર, ભાવનગરના જવાહર મેદાન, રાજકોટના ઘેલા સોમનાથ મહાદેવ અને ભરૂચના નીલકંઠધામ (પોઇચા) ખાતે સખી મંડળોના સ્ટોલ કાર્યરત રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા. ૨ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન પોરબંદર અને રાજકોટના લોકમેળામાં તેમજ દેવભૂમિ દ્વારકા ખાતે આ વિશેષ સ્ટોલ્સ યોજાશે.
આ મેળાઓ દ્વારા સખી મંડળની બહેનોને સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટેનું એક ઉત્તમ મંચ પ્રાપ્ત થશે, જેથી તેમની આવક અને આજીવિકામાં સીધો વધારો થશે. આ પહેલથી રાજ્ય સરકારના "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" જેવા મહત્વકાંક્ષી અભિયાનોને મોટો વેગ મળશે. મહિલા સશક્તીકરણના આ ઉમદા પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના તમામ નાગરિકો અને ભાવિક ભક્તોને આ ઉત્સવની મુલાકાત લઈ સ્થાનિક બહેનો દ્વારા નિર્મિત શુદ્ધ અને હસ્તકળાની ચીજવસ્તુઓની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
