તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
સાગબારા તાલુકાના કનખાડી ગામે દીપડાએ બકરાઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ
વન વિભાગને પાંજરું મુકવા લેખિત જાણ કરવા છતાં આંખ આડા કાન: કનખાડીના રહીશે તાલુકા ,જિલ્લા કક્ષાએ લેખિત ફરિયાદ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: તાલુકા મથક સાગબારા થી માંડ એક કિમિ દૂર આવેલા કનખાડી ગામે દીપડાએ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ જેટલા બકરાઓનું મારણ કરી ફાડી ખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ બાબતે વન વિભાગને પાંજરું મુકવા લેખિત જાણ કરવા છતાં કોઈજ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાથી રહીશોએ તાલુકા, જિલ્લા કક્ષાએ ઉચ્ચ અધિકારીઓ ને લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કનખાડી ગામના રહીશ ધર્મેન્દ્ર દામણ તડવીએ આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત સપ્તાહે તારીખ 18,8 ,26 ના રોજ કનખાડી ગામે ખેતરના એક છેડા પર બકરા ચરાવતા હતા તે દરમિયાન દીપડાએ બકરા પર હુમલો કરી તેને નજીકના શેરડીના ખેતરમાં ખેંચી જઈ ફાડી નાખી મારણ કર્યું હતું. તેમજ આ બનાવ આગાઉ પણ દિપડો બે બકરાઓને ઉઠાવી જઈ મારણ કરી ફાડી નાખ્યા હતા.જે સંદર્ભે વન વિભાગ સાગબારા ખાતે 18 ,8,26 ના રોજ પાંજરું મુકી દિપડાને પકડવા જાણ કરવા છતાં એક સપ્તાહ નો સમય વીત્યો છતાં વન વિભાગે પાંજરું મુકવા કોઈજ કાર્યવાહી હાથ ધરી નથી. તાલુકામાં ઠેરઠેર દીપડાઓના હુમલાઓના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેમાં માનવ સહિત પશુધન પર પણ હુમલાઓના બનાવોમાં વધારો થઈ રહયો છે.ત્યારે કોઈ માનવ પર હુમલો કરી દીપડો મોત ને ઘાટ ઉતારે તે પહેલાં કનખાડી ગામે પાંજરું મુકવામાં આવે અને આ ખૂંખાર દીપડાને ઝડપી પાડી અન્ય સ્થળે છોડી મુકવામાં આવે તેવી માંગ કરી છે.
અત્રે નોંધનીય છે કે આ પહેલા ગત સપ્તાહે જ તાલુકાના ભોરઆમલી ગામે પણ દીપડાએ હુમલો કરી એક વાછરડાને પોતાનો શિકાર બનાવી મોત ને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે કનખાડી ગામ ની સીમમાં દેખાતા આ દીપડા ને વન વિભાગ ક્યારે પાંજરે પુરે છે તેના પર ગ્રામજનોની નજર છે બાકી તો હાલ કનખાડી ગામના લોકોમાં દીપડાને લઈને ફફડાટ ફેલાયો છે
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
