<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

કુંનબાર આંગણવાડીમાં વર્ષોથી પાણીની સમસ્યા : તૂટેલી ટાંકી અને બંધ શૌચાલય વચ્ચે ભૂલકાઓ હેરાન

આંગણવાડીમાં બાળકો માટે પાણી નહીં, શૌચાલય બંધ: ICDSના અધિકારીઓની આંખ ક્યારે ખુલશે?: 72 બાળકોની આંગણવાડી, 37 રોજ હાજર છતાં પાણીની સુવિધા નહીં: ICDS તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કુંનબાર ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં મૂળભૂત સુવિધાઓના અભાવે નાના ભૂલકાઓની હાલાકી સામે આવી છે. આંગણવાડીમાં બોર અને મોટર હોવા છતાં પાણીનું કનેક્શન ઉપલબ્ધ નથી, જ્યારે પાણીની ટાંકી પણ ફાટી ગયેલી હાલતમાં છે. પરિણામે આંગણવાડીમાં પીવાના પાણીથી લઈને શૌચાલયના ઉપયોગ સુધીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
આંગણવાડીમાં 0 થી 5 વર્ષના કુલ 72 બાળકો નોંધાયેલા હોવાનું જાણવા મળે છે, જેમાંથી દરરોજ નિયમિત રીતે આશરે 37 બાળકો આંગણવાડીમાં આવે છે. આટલી સંખ્યામાં નાના બાળકો આવતા હોવા છતાં વર્ષોથી પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આંગણવાડીમાં શૌચાલય બનાવવામાં આવ્યું છે અને નળની વ્યવસ્થા પણ છે, પરંતુ પાણીનું કનેક્શન જ ન હોવાથી શૌચાલય ઉપયોગલાયક રહ્યું નથી. એટલું જ નહીં, શૌચાલય માટે જરૂરી ખાડા/સોકપિટની વ્યવસ્થા અંગે પણ ગંભીર પ્રશ્નો છે. પરિણામે નાના બાળકોને ખુલ્લામાં શૌચક્રિયા કરવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
એક તરફ સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે વિવિધ યોજનાઓ અને સુવિધાઓની વાત કરવામાં આવે છે, ત્યારે કુંનબારની આ આંગણવાડીની સ્થિતિ આ દાવાઓ સામે મોટો સવાલ ઉભો કરે છે.
બોર છે, મોટર છે, નળ છે, શૌચાલય છે, પરંતુ પાણીનું કનેક્શન નથી અને ટાંકી પણ તૂટી ગઈ છે. તો પછી આ સુવિધાઓનો લાભ બાળકોને ક્યારે મળશે? આ સવાલ હવે ગ્રામજનો અને વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આ સમસ્યા લાંબા સમયથી હોવા છતાં ICDS વિભાગના જવાબદાર અધિકારીઓને આ અંગે જાણ નથી કે જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે કુંનબાર આંગણવાડી કેન્દ્રની સ્થળ તપાસ કરવામાં આવે, તૂટેલી પાણીની ટાંકી તાત્કાલિક બદલવામાં આવે, બોર-મોટરને નિયમિત પાણીના કનેક્શન સાથે કાર્યરત કરવામાં આવે તેમજ શૌચાલય માટે જરૂરી પાણી અને સોકપિટ/નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
નાના બાળકોની આરોગ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્નમાં તંત્ર હવે આંખ આડા કાન કરશે કે તાત્કાલિક કાર્યવાહી કરશે? આંગણવાડીના બાળકોને મૂળભૂત પાણી અને શૌચાલય જેવી સુવિધા માટે વર્ષો સુધી રાહ જોવી પડે તે તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્ન ઊભું કરે છે

(10:06 PM IST)