<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ૭૭મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

"એક પેડ મા કે નામ 3.0" અભિયાન હેઠળ ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ અને લોકજાગૃતિનો સંદેશ: આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ જીવનની ભેટ આપવા મહત્તમ વૃક્ષારોપણ તેમજ અને પ્રકૃતિ સંરક્ષણ અતિ આવશ્યક: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

સુરત :રાજ્યવ્યાપી ૭૭મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો હતો. પવિત્ર તાપી નદીના તટે, ચોમાસાના આહ્લાદક વરસાદી માહોલ અને નયનરમ્ય હરિયાળી વચ્ચે આવેલા શ્રદ્ધાધામ ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસર સ્થિત શારદા સાંસ્કૃતિક ભવન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ-સુરત અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત વન મહોત્સવમાં "એક પેડ મા કે નામ 3.0" અભિયાન હેઠળ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો હતો.
વન સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનરક્ષકો તેમજ પર્યાવરણનું જતન કરનાર ઉત્સાહી સ્વયંસેવકોનું વિશેષ સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. સાથે જ, સામાજિક વનીકરણ વિભાગ, સુરત દ્વારા પ્રકાશિત ખાસ માહિતી પુસ્તિકાનું વિતરણ અહીં ઉપસ્થિત ખેડૂતો, ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ વિવિધ રોપાઓ મેળવવા અંગેની વિગતવાર માહિતી આ પુસ્તિકામાં પૂરી પડાઈ છે.
આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ વન મહોત્સવ અને વનીકરણ પ્રવૃત્તિઓને પર્યાવરણના જતન માટે સમર્પિત કરી છે. ભારત એવો દેશ છે જ્યાં અગ્નિ, પર્વત, વાયુ, જળ, સૂર્ય, ચંદ્ર અને તારાની પૂજા કરવાની પરંતરા છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું પૂજન કરીને દરેક ધાર્મિક કાર્ય કરવામાં આવે છે એમ જણાવી જો આપણે પાન-મસાલા ખાઈને ગમે ત્યાં ન થૂંકીએ અને પ્લાસ્ટિકનો કચરો આપણી આસપાસ ન ફેંકીએ, તો પણ તે વન મહોત્સવની સાચી ઉજવણી ગણાશે.
તેમણે વધુમાં કહ્યું કે, વૃક્ષો માત્ર ઓક્સિજન ના સ્ત્રોત જ નથી, પરંતુ સમગ્ર પર્યાવરણ, જળચક્ર, પશુ-પક્ષીઓ અને વન્ય- માનવજીવન સાથે સીધા જોડાયેલા છે. તેથી વન મહોત્સવ માત્ર એક દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહે, પરંતુ વૃક્ષારોપણ અને વાવેલા વૃક્ષોના  ઉછેરનો સંકલ્પ સૌએ લેવો જોઈએ.
આપણું રાજ્ય ઝડપથી ઔદ્યોગિક પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વન વિસ્તાર મર્યાદિત હોવાથી પર્યાવરણીય સમતુલા જાળવવા ઉપલબ્ધ તમામ જમીન પર વ્યાપક વૃક્ષારોપણ કરવાની હાકલ મંત્રીશ્રીએ કરી હતી. વન મહોત્સવ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ લોકભાગીદારી દ્વારા વૃક્ષો વાવી તેમનું મમતાપૂર્વક જતન કરવા અપીલ કરી હતી. આવનારી પેઢીને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું ગુજરાત આપવું હોય તો પાણી બચાવવા, વૃક્ષો વાવવા અને પ્રકૃતિનું સંરક્ષણ કરવું સૌની સામૂહિક જવાબદારી હોવાનું ભારપૂર્વક કહ્યું હતું.
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ સમીર મોદી, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈયર, ભરૂચ વન વર્તુળના વન સંરક્ષક આનંદ કુમાર તથા નાયબ વન સંરક્ષક મિનલ સાવંત, વન વિભાગના તમામ રેંજના અધિકારી, કર્મચારીઓ, પ્રકૃતિપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(4:42 PM IST)