<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

છોટાઉદેપુરની દીકરી શિફા મફતે ગ્રીસની ધરતી પરથી ભરી ઊંચી ઉડાન : આદિવાસી સમાજની પ્રથમ મહિલા કોમર્શિયલ પાયલટ બની રચ્યો ઇતિહાસ

નાનપણથી પાયલટ બનવાનું સપનું જોનારી શિફાએ પરિવારના ટેકા અને અથાગ મહેનતથી EASA ની કઠિન ટ્રેનિંગ પાસ કરી : વિદેશમાં ત્રિરંગો લહેરાવી છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું

છોટાઉદેપુર, તા. 23 : ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી બહુલ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાંથી એક ગૌરવવંતી અને પ્રેરણાદાયી સફળતાની કહાની સામે આવી છે. જ્યાં આજે પણ દીકરીઓ શિક્ષણ માટે સંઘર્ષ કરતી હોય છે ત્યાં આ જિલ્લાની એક દીકરીએ સાત સમંદર પાર ગ્રીસ જઈને કોમર્શિયલ પાયલટ બનવાનું પોતાનું બાળપણનું સપનું સાકાર કરી બતાવ્યું છે. આ દીકરીનું નામ છે શિફા મફત

પ્રાપ્ત માહિતી મુજબ શિફા મફત નાનપણથી જ આકાશમાં ઉડતા વિમાનોને જોઈને પાયલટ બનવાના સપના જોતી હતી. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી શિફા માટે આ સપનો સહેલો નહોતો, પરંતુ તેના માતા-પિતાએ દીકરીના સપનાને ક્યારેય નાનું ન સમજ્યું અને તેને દરેક પગલે પ્રોત્સાહન આપ્યું. 12મા ધોરણ પછી તેણે પાયલટ બનવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

શિફાએ ભારતમાં પ્રાથમિક ગ્રાઉન્ડ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ વધુ એડવાન્સ અને ઇન્ટરનેશનલ લાયસન્સ માટે યુરોપનો રસ્તો પસંદ કર્યો. તેને ગ્રીસના એથેન્સ નજીક આવેલા એલેફ્સિના સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ફ્લાઈંગ એકેડમી FSTC Europe માં એડમિશન મળ્યું. આ સંસ્થા યુરોપિયન યુનિયનની EASA (European Union Aviation Safety Agency) દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને તેનું લાયસન્સ સમગ્ર વિશ્વમાં માન્ય છે.

અહીં શિફાએ સિંગલ એન્જિન, મલ્ટી એન્જિન, નાઈટ ફ્લાઈંગ, ક્રોસ કન્ટ્રી નેવિગેશન અને સિમ્યુલેટર સહિતની 200 કલાકથી વધુની કઠિન ફ્લાઈંગ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. કડકડતી ઠંડી, અલગ દેશ, અલગ ભાષા વચ્ચે પણ તેણે હિંમત હાર્યા વિના પોતાની તાલીમ પૂર્ણ કરી.

શિફાની આ સિદ્ધિ એ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા અને ખાસ કરીને આદિવાસી સમાજની દીકરીઓ માટે એક નવી રાહ ચીંધનારી ઘટના છે. આજે જ્યારે દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર બની રહી છે ત્યારે શિફાએ સાબિત કર્યું છે કે દીકરીઓ જો ધારે તો આકાશ પણ આંબી શકે છે.

શિફાએ જણાવ્યું હતું કે, "મારું સપનું હંમેશા પાયલટ બનવાનું હતું. મારા પરિવારે મને ક્યારેય એવું નથી કહ્યું કે તું દીકરી છે એટલે ન કરી શકે. હું ઇચ્છું છું કે છોટાઉદેપુરની અન્ય દીકરીઓ પણ મોટા સપના જુએ અને તેને પૂરા કરવા માટે મહેનત કરે."

હાલ શિફા ટૂંક સમયમાં ભારત પરત ફરી DGCA ની પ્રક્રિયા પૂર્ણ કરીને દેશની કોઈ અગ્રણી એરલાઈનમાં કોમર્શિયલ પાયલટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરશે. તેની આ સફળતાથી સમગ્ર જિલ્લામાં ખુશી અને ગર્વનો માહોલ છવાયો છે.

(4:07 PM IST)