તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડનો આક્ષેપ: બોટનિકલ ગાર્ડન અને વેટલેન્ડ ગાયબ, ૨૫ કરોડના પ્રોજેક્ટ સામે કોંગ્રેસના સવાલો!
તત્કાલીન અને વર્તમાન કુલપતિના કાર્યકાળમાં કરોડોના ટેન્ડરો બહાર પડાયા બાદ પણ પર્યાવરણને નુકસાન; ૧૫૦થી વધુ દુર્લભ વનસ્પતિઓ અને મોરનું બ્રિડિંગ ઝોન નષ્ટ થવાનો દાવો.

અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપોને કારણે વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં વર્ષોથી જાળવવામાં આવતો ઐતિહાસિક બોટનિકલ ગાર્ડન અને ત્રણ કુદરતી વેટલેન્ડ (જળપ્લાવિત ક્ષેત્રો) ગાયબ થઈ ગયા હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં સંશોધન માટે ઉપયોગી વનસ્પતિઓ પર બુલડોઝર ફેરવી દેવાયું હોવાનો દાવો કરાયો છે.
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદમાં આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, તત્કાલીન કુલપતિ હિમાંશુ પંડ્યાના સમયમાં આર્બોરેટમ પ્રોજેક્ટ માટે રૂ. ૯.૫૫ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ કામમાં માત્ર ત્રણ અધૂરા ડોમ ઊભા થયા બાદ કુલપતિ બદલાયા હતા. ત્યારબાદ વર્તમાન કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળમાં તે જ સ્થળે રૂ. ૧૫.૫૬ કરોડના ખર્ચે 'નક્ષત્ર વન' બનાવવાનો નવો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો.
દુર્લભ વનસ્પતિઓ અને પક્ષીઓનો વિનાશ થયો હોવાનો આક્ષેપ
કોંગ્રેસના આક્ષેપ અનુસાર, બોટની વિભાગના ગાર્ડનમાં ૧૫૦થી વધુ દુર્લભ છોડ, વૃક્ષો અને વનસ્પતિની પ્રજાતિઓ હતી, જે બોટની અને જીઓલોજીના વિદ્યાર્થીઓ માટે સંશોધનનો મુખ્ય સ્ત્રોત હતી. આ ઉપરાંત, આ પરિસરમાં ૪૦થી વધુ મોર તેમજ તિલકવાળી બતક, રાતી ટોટવી, કાળો કાંચ અને કાળી ડોકવાળો ધોળો કાંચ જેવા દુર્લભ પક્ષીઓ જોવા મળતા હતા. ગાર્ડન અને વેટલેન્ડ નષ્ટ થવાથી પક્ષીઓના બ્રિડિંગ પર ગંભીર અસર પડી છે. કોંગ્રેસે સમગ્ર રૂ. ૨૫.૧૧ કરોડના પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
મુખ્ય આક્ષેપો અને આંકડાકીય માહિતી:
- કુલ કથિત કૌભાંડ/ખર્ચ: રૂ. ૨૫.૧૧ કરોડ (બે અલગ-અલગ પ્રોજેક્ટ્સ)
- આર્બોરેટમ પ્રોજેક્ટ (તત્કાલીન કુલપતિ હિમાંશુ પંડ્યા): રૂ. ૯.૫૫ કરોડનું ટેન્ડર (જેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર)
- નક્ષત્ર વન પ્રોજેક્ટ (વર્તમાન કુલપતિ નીરજા ગુપ્તા): રૂ. ૧૫.૫૬ કરોડનું ટેન્ડર (કરણ કન્સ્ટ્રક્શન)
- પર્યાવરણીય નુકસાન: ૧૫૦+ વનસ્પતિ પ્રજાતિઓ, ૩ વેટલેન્ડ્સ અને મોરનું બ્રિડિંગ ઝોન નષ્ટ
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
