News of Saturday, 22nd August 2026
જળ સંકટ ઉકેલવા દેશમાં 'Water For All'નો ગૂંજ્યો મંત્ર: પાણીના ક્ષણેક્ષણ અને ટીપેટીપાને બચાવવા જનઆંદોલન ઊભું કરવા તજજ્ઞોનું આહ્વાન
અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે ‘ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર@2047’ કન્વેન્શન યોજાયું; પદ્મ ભૂષણ ડૉ. અનિલ પ્રકાશ જોષી અને પદ્મ શ્રી ઉમાશંકર પાંડે સહિતના દેશના અગ્રણી જળ ચિંતકોએ આપ્યું માર્ગદર્શન

અમદાવાદ : ભારતના ભવિષ્યને જળ-સુરક્ષિત બનાવવાના ઉદ્દેશથી સરકાર, વિવિધ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોના સહિયારા પ્રયાસો પર ભાર મૂકતી એક વિશેષ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદગમ ચેરિટીબલ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ (CWP), ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન (SPMRF) અને i-Hubના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે ‘ભારત ડિસ્કોર્સિસ ઓન વોટર@2047’ શિર્ષક હેઠળ આ મંથન યોજાયું હતું.
આ પરિષદમાં દેશભરમાંથી નીતિ નિર્માતાઓ, પર્યાવરણ વૈજ્ઞાનિકો, જળ નિષ્ણાતો, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ યુવા ઇનોવેટર્સ એકમંચ પર એકત્રિત થયા હતા. જેમાં ભૂગર્ભજળ સંરક્ષણ, ક્લાયમેટ ચેન્જ, નદી પુનર્જીવન, શહેરી જળ સુરક્ષા અને પરંપરાગત જળ વ્યવસ્થાપન જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, માનસિકતા બદલવી પડશે: ડૉ. અનિલ પ્રકાશ જોષી
પદ્મ ભૂષણ સન્માનિત ડૉ. અનિલ પ્રકાશ જોષી એ 'Water for All'ના સંકલ્પને સાકાર કરવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "જળ સુરક્ષા માત્ર સિમેન્ટ-કોંક્રિટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાથી નહીં મળે. એના માટે આપણી જીવનશૈલી અને કુદરતી સંસાધનો પ્રત્યેની દ્રષ્ટિ બદલવી પડશે. જ્યારે દરેક વ્યક્તિ પાણીના એક-એક ટીપાની કિંમત સમજીને પોતાની જવાબદારી સ્વીકારશે, ત્યારે જ આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત બનશે."
પરંપરાગત જ્ઞાન અને જનભાગીદારી જ સાચો ઉકેલ: ઉમાશંકર પાંડે
પદ્મ શ્રી સન્માનિત ઉમાશંકર પાંડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાણીની સમસ્યાનો સામૂહિક ઉકેલ જનભાગીદારીમાં જ છુપાયેલો છે. તેમણે ઉમેર્યું કે, "જળ સંરક્ષણ જ્યારે સરકારી યોજનામાંથી 'જનઆંદોલન' બનશે ત્યારે જ કાયમી પરિવર્તન આવશે. આપણા પૂર્વજોની પરંપરાગત જ્ઞાન પ્રણાલીમાં પાણી પ્રત્યે આદર અને સંરક્ષણના સંસ્કાર પહેલેથી જ હતા. આપણે ફરીથી તે પ્રાચીન પદ્ધતિઓને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાની જરૂર છે."
ચર્ચા હોલથી સમુદાય સુધી પહોંચાડવાનો લિપિબદ્ધ પ્રયાસ
ઉદગમ ચેરિટીબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મયુર જોષી એ પરિષદના હેતુ પર પ્રકાશ ફેંકતા કહ્યું કે, "અમારો ધ્યેય આવી વૈચારિક ચર્ચાઓને માત્ર કોન્ફરન્સ હોલ પૂરતી સીમિત રાખવાને બદલે છેવાડાના સમુદાયો અને ગામડાઓ સુધી પહોંચાડવાનો છે, જેથી જળ બચાવવાની આ ચળવળમાં દરેક નાગરિક ભાગીદાર બને."
આ પરિષદ દરમિયાન ભારતના પ્રાચીન અને પરંપરાગત જળસંચય માળખાઓ જેવા કે જોહડ, બાઓલી (વાવ), કુંડ અને તળાવોના પુનઃજીવન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેથી ભૂગર્ભજળના સ્તરને ફરી ઊંચા લાવી શકાય.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
