તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગુજરાતના SMEs માટે રેડ એલર્ટ: મે ૨૦૨૭ પહેલાં DPDPA ડેટા સંરક્ષણ નિયમોનું પાલન કરવું બનશે અનિવાર્ય
માત્ર સરકારી નોટિસની રાહ ન જોતા બિઝનેસીસ ત્વરિત તૈયારીઓ શરૂ કરે; આઈએસીસી (IACC) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલી ખાસ વર્કશોપમાં ઔદ્યોગિક નિષ્ણાતોનો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ: ભારત સરકાર જ્યારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDPA)ના અમલીકરણ તરફ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs & MSMEs) માટે પણ હવે જાગવાનો સમય આવી ગયો છે. હવે ડેટા પ્રાઈવસી માત્ર મોટા કોર્પોરેટ્સ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ગ્રાહકો, વૈશ્વિક ક્લાયન્ટ્સ અને સપ્લાય ચેઈન સાથે જોડાયેલા દરેક નાના બિઝનેસ માટે ડેટા સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત બનવા જઈ રહ્યું છે.
આ ગંભીર અને મહત્વપૂર્ણ વિષય પર માર્ગદર્શન આપવા માટે ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) દ્વારા ક્લિયરકન્સેન્ટ ડેટાસેક પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદના બોપલ-આંબલી રોડ સ્થિત હોટેલ ડબલટ્રી બાય હિલ્ટન ખાતે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. "ધ DPDPA કાઉન્ટડાઉન: વ્હોટ એવરી બિઝનેસ મસ્ટ ડુ બિફોર મે ૨૦૨૭" શીર્ષક હેઠળ યોજાયેલા આ સેશનમાં ઔદ્યોગિક નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું કે નિયમનકારી કાયદાઓ લાગુ થાય તે પહેલાં જ વેન્ડર મૂલ્યાંકન, પ્રાઈવસી પ્રશ્નાવલીઓ અને કરારની શરતો દ્વારા બિઝનેસિસ પર આ કાયદાની સીધી અસર વર્તાવા લાગશે.
સરકારી નોટિસ નહીં, પણ અટકેલા કોન્ટ્રાક્ટ્સ રૂપે આવશે અસર
વર્કશોપમાં ક્લિયરકોન્સેન્ટ ડેટાસેક પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને CEO જાસ્મીન અમીને બિઝનેસ માલિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, "મોટાભાગના ઉદ્યોગકારો સરકાર તરફથી કાયદાકીય નોટિસ આવે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ કાયદો તેમની પાસે આવી રીતે નહીં પહોંચે. તે કંપનીના રિન્યુઅલ સાથે જોડાયેલા ડેટા પ્રોટેક્શન એગ્રીમેન્ટ કે નવા એમ્પેનલમેન્ટ પહેલાં અપાતી પ્રાઈવસી પ્રશ્નાવલીના રૂપમાં સામે આવશે. જો તમે પાલન નહીં કરો તો દંડ તો પછીની વાત છે, પરંતુ પહેલાં કરોડોના કરાર સહી થયા વિના અટકી જશે."
MSMEs અને SMEs માટે પાલન શા માટે અનિવાર્ય?
IACC ગુજરાત શાખાના અધ્યક્ષ અમિત દોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાના અને મધ્યમ ઉદ્યોગોએ પોતાના અસ્તિત્વ અને વિકાસ માટે આ કાયદાને સમજવો અત્યંત જરૂરી છે:
- સપ્લાય ચેઈન સુરક્ષા: મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે બિઝનેસ કરવા માટે DPDPA કમ્પ્લાયન્સ હવે મુખ્ય પૂર્વશરત બનશે.
- ડેટા લીક અને દુરુપયોગથી રક્ષણ: બિઝનેસિસ ગ્રાહકો કે કર્મચારીઓનો ડેટા કઈ રીતે એકત્રિત, સ્ટોર અને પ્રોસેસ કરે છે તે દર્શાવવું પડશે, જેથી માહિતીના દુરુપયોગથી બચી શકાય.
- ગ્રાહક વિશ્વાસ: સમયસર ડેટા પ્રોટેક્શન અપનાવવાથી ગ્રાહકો અને આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ્સમાં કંપની પ્રત્યેનો વિશ્વાસ વધશે.
નિષ્ણાતોએ સર્વાનુમતે સલાહ આપી હતી કે મે ૨૦૨૭ની અંતિમ સમયસીમા કે સરકારી આદેશોની રાહ જોયા વિના ગુજરાતના વેપારીઓએ અત્યારથી જ તેમની સિસ્ટમમાં ડેટા પ્રોટેક્શન પ્રોટોકોલ અપનાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
