<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમદાવાદમાં સોનાના ભાવ ગગડ્યા: પ્રતિ ૧૦ ગ્રામે રૂ. ૧,૫૦૦નો મોટો કડાકો, જાણો આજે કેટલો રહ્યો ૨૨ અને ૨૪ કેરેટનો ભાવ

વૈશ્વિક બજારમાં સોનાની તેજી વચ્ચે સ્થાનીય માર્કેટમાં ઘટાડો; અમદાવાદમાં ૧ કિલો ચાંદીનો ભાવ રૂ. ૨,૪૫,૦૦૦ પર સ્થિર રહ્યો

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત જોવા મળી રહેલી સીધી તેજીની રેલી પર આજે બ્રેક લાગી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ ખાતે ૧૦ ગ્રામ શુદ્ધ સોના (૨૪ કેરેટ)ના ભાવમાં રૂ. ૧,૫૦૦નો કડાકો બોલાતા નવો ભાવ રૂ. ૧,૬૨,૦૦૦ના સ્તરે પહોંચી ગયો છે. આ સાથે જ ૧૦ ગ્રામ સ્ટાન્ડર્ડ સોના (૨૨ કેરેટ)નો ભાવ પણ રૂ. ૧,૫૦૦ તૂટીને રૂ. ૧,૬૧,૭૦૦ થઈ ગયો છે. બીજી તરફ, સ્થાનિક ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને કિલો દીઠ ચાંદીનો ભાવ રૂ. ૨,૪૫,૦૦૦ પર જળવાઈ રહ્યો હતો.

 

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં ઉછાળો

 

સ્થાનીય માર્કેટમાં ઘટાડાથી વિપરીત વિશ્વ બજારમાં (Bullion Market) સોનાના ભાવમાં મજબૂત તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ ૪૬૦૦ ડોલરની માનસિક સપાટી કુદાવી ગયો હતો. ઇન્ટ્રા-ડે કામકાજ દરમિયાન વિશ્વ બજારમાં સોનું ૮૯.૮૭ ડોલર (૧.૯૯%) ના વધારા સાથે ૪૬૦૩.૩૦ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ પણ ૧.૩૯% વધીને ૬૮.૯૮ ડોલર પ્રતિ ઔંસ નોંધાયો હતો.

 

MCX પર વાયદા બજારની સ્થિતિ

 

ભારતીય વાયદા બજાર એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો:


 

  • MCX ગોલ્ડ: વાયદા બજારમાં સોનાના ભાવ લગભગ સ્થિર જોવા મળ્યા હતા અને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧,૬૨,૪૪૦ની આસપાસ કામકાજ થઈ રહ્યું હતું.

 

  • MCX સિલ્વર: ચાંદીના વાયદા ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. MCX ચાંદી કિલો દીઠ રૂ. ૩,૧૧૭ ઉછળીને રૂ. ૨,૪૬,૩૬૦ના ઉપલા સ્તરે પહોંચી ગઈ હતી.

 

બજારના નિષ્ણાતોના મતે વૈશ્વિક સંકેતો અને સ્થાનિક માગના આધારે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ ભારે વધઘટ જોવા મળી શકે છે.

 

(6:31 PM IST)