<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ વડોદરા પોલીસ એક્શનમાં: કારના ચોરખાનામાં છુપાવીને લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

સમયાલા ટોલનાકા પાસે પોલીસે વોચ ગોઠવી ૨ બુટલેગરોને ૧૧૪ બોટલ સાથે ઝબ્બે કર્યા; ભાવનગરની ઘાતક ઘટના વડોદરામાં પુનરાવર્તિત થતાં અટકી

વડોદરા : ભાવનગરમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ગંભીર અને કરૂણ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. બુટલેગરો અને અસામાજિક તત્વો સામે રાજ્યવ્યાપી કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેવામાં વડોદરા તાલુકા પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે સમયાલા ટોલનાકા પાસે નાકાબંધી કરીને ભાવનગરથી કારમાં ખાસ ચોરખાનું બનાવી ઘૂસાડાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ સમયસૂચકતાના કારણે વડોદરામાં લઠ્ઠાકાંડ જેવી મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ છે.

 

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે ભાવનગર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂ વડોદરા લાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતાં જ પોલીસે ત્વરિત સમયાલા ગામના ટોલનાકા પાસે વ્યૂહાત્મક ગોઠવણ કરી દીધી હતી.

 

ચોરખાનામાંથી રૂ. ૭૪,૮૨૯નો વિદેશી દારૂ જપ્ત

 

જેવી બાતમી મુજબની કાર ટોલનાકા પાસે પહોંચી, પોલીસે તેને ઘેરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં કાર સામાન્ય જણાતી હતી, પરંતુ બારીકાઈથી તલાશી લેતાં કારમાં બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ ૧૧૪ બોટલો (કિંમત રૂ. ૭૪,૮૨૯) મળી આવી હતી.

 

ભાવનગરના ૨ શખ્સોની ધરપકડ, રૂ. ૨.૮૪ લાખનો મુદ્દામાલ કબજે

 

પોલીસે ઘટનાસ્થળેથી જ બે આરોપીઓની ધરપકડ કરી છે:


 

  • અજય મહેશભાઈ કુકરેજા (રહે. નવું સિંધુનગર, સરદારનગર, ભાવનગર)

 

  • મહેશ શશીકાંતભાઈ કટકિયા (રહે. મફતનગર, સરદારનગર, ભાવનગર)

 

પોલીસે દારૂની બોટલો, ૨ નંગ મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી કાર સહિત કુલ રૂ. ૨,૮૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ દારૂનો જથ્થો ભાવનગરમાંથી કોણે સપ્લાય કર્યો હતો અને વડોદરામાં કયા બુટલેગરને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી દારૂના કાળા કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(6:13 PM IST)