તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ગુજરાત પોલીસના ઇતિહાસમાં સર્વપ્રથમ વાર મોટી કાર્યવાહી : પરિવાર અને દાંપત્ય જીવનનું સંતુલન જાળવવા પતિ-પત્ની કેસ હેઠળ એકસાથે 415 પોલીસ કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી કરવાનો સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ વિભાગના કર્મચારીઓની પારિવારિક સ્થિતિ અને સંતાનોની જવાબદારી ધ્યાને રાખી 6 કેડરના ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મીઓને રાહત આપતો મોટો આદેશ જાહેર કર્યો

ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિ અને તેમની મુશ્કેલીઓને ધ્યાને રાખીને આ ઐતિહાસિક આદેશ કર્યો છે.
પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કર્મચારીઓને અવારનવાર પોતાના પરિવારથી દૂર રહીને કામ કરવાની ફરજ પડતી હોય છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ કે એકમોમાં ફરજ બજાવવાના કારણે પતિ અને પત્ની બંને સરકારી સેવામાં હોવા છતાં એકબીજાથી દૂર રહેવાની સ્થિતિ નિર્માણ પામે છે. આવી પરિસ્થિતિમાં પરિવારની દેખરેખ, નાના સંતાનોનું ઉછેર અને અન્ય સામાજિક કે પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
આ બાબતને અત્યંત સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવાયો છે. બદલી પામેલા કુલ 415 કર્મચારીઓમાં વિવિધ 6 કેડરના પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. જેની કેડરવાઇઝ વિગતો નીચે મુજબ છે:
બિનહથિયારી અને હથિયારી ASI: કુલ 27 કર્મચારીઓ
બિનહથિયારી અને હથિયારી હેડ કોન્સ્ટેબલ: કુલ 33 કર્મચારીઓ
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ:કુલ 226 કર્મચારીઓ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: કુલ 129 કર્મચારીઓ
પોલીસ કર્મચારીઓની ફરજની કઠિનતાની સાથે તેમના પરિવારજનો અને દાંપત્ય જીવનને પણ યોગ્ય મહત્વ આપવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બદલી માટે આવેલી તમામ સ્વવિનંતી અરજીઓ પર સકારાત્મક વિચારણા કરીને આ આદેશ જારી કરાયો છે. આ ઐતિહાસિક નિર્ણયથી પોલીસ કર્મીઓને પોતાની સરકારી ફરજ અને પારિવારિક જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં ખૂબ મોટી મદદ મળશે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
