<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ગુજરાતઃ એનઆરઆઈ ડિપોઝિટ વધીને રૂ. ૧,૨૨,૩૬૩.૭૪ કરોડે પહોંચી

ડોલર મજબૂત થતાં NRIએ ઠાલવ્‍યા અધધ રૂપિયાઃ અમદાવાદ ટોચ પર

 

 

અમદાવાદ તા.૨૨: હાલ ડોલર સામે રૂપિયાનો ભાવ ૯૫.૭૦ની આસપાસ છે. ડોલર મજબૂત થતાં વિદેશમાં રહેતા ગુજરાતીઓએ મોટી સંખ્‍યામાં રૂપિયા ટ્રાન્‍સફર કર્યા હતા. સ્‍ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં એનઆરઆઈ  ડિપોઝિટ વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકા વધીને રૂ. ૧,૨૨,૩૬૩.૭૪  કરોડે પહોંચી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો રૂ. ૧,૦૮,૮૯૭.૯૯ કરોડ હતો, જેમાં આશરે રૂ. ૧૩,૪૬૬ કરોડનો વધારો નોંધાયો છે.

રાજ્‍યની કુલ એનઆરઆઈ ડિપોઝિટમાં ૨૨.૩ ટકા  હિસ્‍સા સાથે રૂ. ૨૭,૩૨૬.૦૨  કરોડનું યોગદાન આપીને અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું. વડોદરા રૂ. ૧૯,૪૪૭.૧૧ કરોડ સાથે બીજા અને કચ્‍છ રૂ.૧૮,૨૧૨.૬૫  કરોડ સાથે ત્રીજા સ્‍થાને હતા. આ ત્રણેય જિલ્‍લાઓ મળીને ગુજરાતની કુલ એનઆરઆઈ ડિપોઝિટનો અડધાથી વધુ હિસ્‍સો ધરાવે છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, એનઆરઆઈ ડિપોઝિટમાં થયેલો વધારો વિદેશમાં વસતા ગુજરાતીઓનો રાજ્‍યમાં નાણાં રોકવા પ્રત્‍યેનો સતત રસ દર્શાવે છે. આ ભંડોળનો મોટો હિસ્‍સો ખાસ કરીને અમદાવાદમાં હાઇ-એન્‍ડ રેસિડેન્‍શિયલ પ્રોપર્ટીઝમાં જઈ રહ્યો છે, જ્‍યારે મ્‍યુચ્‍યુઅલ ફંડ પણ અન્‍ય એક રોકાણ વિકલ્‍પ તરીકે ઊભર્યું હતું.

આણંદ રૂ. ૯૭૪૬.૫૮ કરોડ સાથે ચોથા ક્રમે રહ્યું હતું, જ્‍યારે સુરત અને રાજકોટમાં અનુક્રમે રૂ. ૯૪૮૦.૮૨ કરોડ અને રૂ. ૯૩૬૮.૪૯ કરોડની ડિપોઝિટ નોંધાઈ હતી. બંને જિલ્‍લામાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જૂન ૨૦૨૫માં સુરતમાં રૂ. ૮૨૬૮.૪૬ અને રાજકોટમાં રૂ. ૮૫૯૭.૬૫ કરોડની ડિપોઝિટ નોંધાઈ હતી.

નવસારી રૂ. ૬૯૨૮.૭૮  કરોડ સાથે સાતમા ક્રમે હતું. ગાંધીનગરે રૂ. ૫૩૫૩.૨૩ કરોડ સાથે ટોપ-૧૦માં નવો પ્રવેશ કર્યો છે. ગાંધીનગરે જામનગરનું સ્‍થાન લીધું હતું. જામનગર એક વર્ષ અગાઉ રૂ. ૨૧૭૧.૬૯ કરોડની ડિપોઝિટ સાથે ૧૦મા ક્રમે હતું. ખેડા રૂ. ૩૧૩૮.૦૪ કરોડ અને પોરબંદર રૂ. ૨૮૦૫.૩૭ કરોડ સાથે ટોપ-૧૦માં સ્‍થાન મેળવવામાં સફળ રહ્યા હતા.(

(3:39 PM IST)