News of Saturday, 22nd August 2026
સુરતમાં સંબંધો શર્મસાર :સંતાનોના પિતાએ મિત્રની સગીર વયની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી
પીડિતાને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા આ પ્રેમ સંબંધની ચેટ આરોપીના હાથમાં આવતા ચેટનો ભાંડો ફોડી દેવાની અને વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ યુવતીને બ્લેકમેલ કરી હેવાનિયત આચરી

સુરત શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક આઠ સંતાનોના પિતાએ મિત્રની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો આક્ષેપ થયો છે. લસકાણા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પીડિતા દ્વારા પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિતા યુવતી અગાઉ આજથી સાત વર્ષ પહેલાં લસકાણા વિસ્તારમાં રહેતી હતી. તે દરમિયાન તેના પિતાના મિત્ર મામૈયા તોગા વાટુકિયા સાથે પરિવારના સંબંધો હતા. સમય જતાં પીડિતાને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને આ પ્રેમ સંબંધની ચેટ આરોપીના હાથમાં આવી ગઈ હતી. આ ચેટનો ભાંડો ફોડી દેવાની અને વાયરલ કરવાની ધમકી આપીને આરોપીએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીએ લસકાણા, ઉત્રાણ અને કીમ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઈ જઈને યુવતીનું યૌન શોષણ કર્યું હોવાનું ખૂલ્યું છે. એટલું જ નહીં, આરોપીએ આ દરમિયાન તરુણીના ન્યૂડ ફોટો અને વિડિયો પણ બનાવી લીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ તરુણીને હાર પહેરાવીને અને સિંદૂર પુરાવતો એક બનાવટી ફોટો સોશિયલ મીડિયાના સમાજના ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો. હાલ આ મામલે 21 વર્ષીય યુવતીએ હિંમત દાખવીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સુરત પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો તેમજ અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
