તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
મંદિરોના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન' જાહેર કરાશે
GPCB દ્વારા શ્રાવણ માસથી રાજ્યવ્યાપી ‘સ્વચ્છ તીર્થસ્થાન,પવિત્ર ગુજરાત અભિયાન'નો પ્રારંભ

અમદાવાદ તા.૨૨: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા શ્રાવણ માસથી શરૂ થતા વિવિધ ધાર્મિક પર્વોને ધ્યાન પર રાખીને રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે ‘‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન'' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણના સૂત્ર હેઠળ આ સમગ્ર રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા તમામ પ્રાદેશિક અધિકારીઓ, મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ અંગે જરૂરી અમલીકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દરેક પ્રાદેશિક કચેરી હેઠળ વધુ પગલે-પગલે મુલાકાતીઓ આવતા હોય તેવા ઓછામાં ઓછા ૫ મુખ્ય ધાર્મિક સ્થળો પસંદ કરીને સઘન કામગીરી કરવામાં આવશે.
સ્વચ્છ અને પવિત્ર વાતાવરણઃ ધાર્મિક સ્થળો, નદીઓ, સમુદ્ર તટ અને વન વિસ્તારોમાં ગંદકી અટકશે અને ભક્તોને વધુ સ્વચ્છ, શાંત તથા ભક્તિમય વાતાવરણ મળશે.
પ્લાસ્ટિક મુક્ત તીર્થધામઃ સિગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવાથી અને કમ્પોસ્ટેબલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધવાથી પર્યાવરણનું જતન થશે.
રોજગારી અને લોકસહભાગીદારી : સ્થાનિક સ્વયંસેવકો, સખી મંડળો અને NGOs જોડાવાથી પર્યાવરણ રક્ષણ સાથે કચરામાંથી નવી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે નવી તકો ઊભી થશે.
નાગરિકો તથા શ્રદ્ધાળુઓને અપીલઃ GPCB દ્વારા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપે અને ધાર્મિક પવિત્રતાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ સુનિヘતિ કરે તે જરૂરી છે.
કચરો સ્રોત પર જ અલગ થાય તે માટે અલગ-અલગ કળશ-પાત્રની વ્યવસ્થા કરાશે
Stream A : ભીનો કચરો (પ્રસાદ, ખાદ્ય અવશેષ, શાકભાજી વગેરે)
Stream B : નિર્માલ્ય (ફૂલ, હાર, બિલીપત્ર, પૂજા સામગ્રી)
Stream C : સૂકો કચરો (કાગળ, માન્ય પ્લાસ્ટિક પેકેજિગ, મેટલ વગેરે) વપરાયેલી પૂજા સામગ્રીમાંથી ખાતર, ધૂપ અને અગરબત્તી બનાવાશે વપરાયેલી પૂજા સામગ્રી અને નિર્માલ્યને ખુલ્લામાં ફેંકવાને બદલે તેનું પ્રોસેસિગ કરીને ખાતર, ધૂપ અને અગરબત્તી બનાવવામાં આવશે.
મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન' જાહેર કરાશે, જ્યાં સિગલ યુઝ પ્લાસ્ટિક પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે. સ્થાનિક NGOs, સખી મંડળો, સ્વયંસેવકો અને યુવક મંડળોને ‘‘હરિત સાથી'' અને ‘‘સ્વચ્છ તીર્થસ્થાન સેવક'' તરીકે જોડી જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
