<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગુજરાત ભાજપ માટે કાલનો દિવસ સંગઠનાત્મક રીતે મહત્વનો બની શકે :નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દિલ્હી પહોંચશે

રાજ્યના બે અગ્રણી નેતાઓ દિલ્હીમાં યોજાનારી અલગ-અલગ બેઠકોમાં હાજરી આપશે. નવી રાષ્ટ્રીય ટીમ બાદની બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા થશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને આગામી કાર્યક્રમોને લઈને પણ આયોજન થશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે દિલ્હી જશે. બંને નેતાઓ દિલ્હીમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટની વિવિધ સંગઠન બેઠકોમાં હાજરી આપશે. નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ પ્રથમ વખત નવનિયુક્ત પદાધિકારીઓ સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે 10 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ભાજપના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપરાંત દરેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી હાજર રહેશે. ભાજપ શાસિત રાજ્યોમાંથી સરકારના એક પ્રતિનિધિને પણ બેઠકમાં સામેલ કરવામાં આવનાર છે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેઠકમાં હાજરી આપશે.

 

 

બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગને લઈને આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે પણ મહત્વની બેઠક યોજાશે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો સહિતના ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેવાની શક્યતા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં યોજાનારા કાર્યક્રમો અને સંગઠનાત્મક આયોજન અંગે બેઠકમાં ચર્ચા થવાની છે.

 

 

આ ઉપરાંત સાંજે 6 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાજ્યોના સંગઠન સાથે બેઠક કરશે. તેમાં પ્રદેશ અધ્યક્ષો તથા અન્ય સંગઠન પદાધિકારીઓ સાથે વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.ગુજરાતના બંને નેતાઓની દિલ્હી મુલાકાતને રાજ્યના સંગઠન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને નવી રાષ્ટ્રીય ટીમની રચના બાદ યોજાનારી બેઠકોમાં ગુજરાતના સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની સંભાવના છે.

(11:56 PM IST)