<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

દિકરીના ઘરે પહોંચી માતાને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રભારી મંત્રીએ દિકરીને પુનઃ શાળામાં પ્રવેશ કરાવ્યો : ભરૂચમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળતા : પ્રફુલ પાનશેરીયા

રાજ્ય સરકારના "બેક ટુ સ્કૂલ અભિયાન" અંતર્ગત "સમરસ સેતુ વિદ્યા અભિયાન" હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી : શિક્ષણ વિભાગની સઘન મહેનતના કારણે હજારો બાળકોના જીવનમાં ફરી જ્ઞાનનો દીપ પ્રગટ્યો

ભરૂચ, તા. 21 : રાજ્ય સરકારના "બેક ટુ સ્કૂલ અભિયાન" અંતર્ગત "સમરસ સેતુ વિદ્યા અભિયાન" હેઠળ ભરૂચ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વિવિધ કારણોસર ધોરણ 1 થી 12 વચ્ચે અભ્યાસ છોડી ચૂકેલા આશરે 4,000 દીકરા-દીકરીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સફળતા મળી છે.

 

આજરોજ ભરૂચ ખાતે શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ હોલ, જે.પી. કોલેજ ખાતે યોજાયેલ સમરસ સેતુ વિદ્યા અભિયાન કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણથી વંચિત રહેલા દરેક બાળકને ફરીથી જ્ઞાનના માર્ગે આગળ વધારવાનો આ પ્રયાસ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પરંતુ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પવિત્ર યજ્ઞ છે.

 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં 4,000થી વધુ એવા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે, જેઓ કોઈ કારણોસર અભ્યાસ છોડી ચૂક્યા હતા. શિક્ષણ વિભાગની સઘન મહેનતના કારણે હજારો બાળકોના જીવનમાં ફરી જ્ઞાનનો દીપ પ્રગટ્યો છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી દિશા ખુલ્લી છે.

 

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીએ ભરૂચ શહેરની અંબે માતા વિદ્યાલયમાંથી શૈક્ષણિક વર્ષ 2024-25 બાદ ધોરણ-8 પછી અભ્યાસ છોડી દીધેલ દીકરી હિરલબેન દિનેશભાઈ મીરના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ દીકરીની માતા સાથે આત્મીય સંવાદ કરી શિક્ષણનું જીવનમાં રહેલું મહત્વ, દીકરીના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણની ભૂમિકા અને અભ્યાસ ચાલુ રાખવાની આવશ્યકતા અંગે વિસ્તૃત સમજણ આપી હતી.

 

મંત્રીશ્રીની લાગણીસભર સમજાવટ અને પ્રેરણાદાયી વાતોથી પ્રભાવિત થઈ દીકરી તથા તેમની માતાએ હકારાત્મક પ્રતિસાદ આપતાં પુનઃ અભ્યાસ શરૂ કરવા સંમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ શ્રી ડી કે સ્વામી, ધારાસભ્ય જંબુસર , જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અંબે માતા વિદ્યાલયના આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં હિરલબેનનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવી તેમને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. શિક્ષણ વિભાગ, શિક્ષકો, વાલીઓ અને સમાજના સહિયારા પ્રયાસોથી જ આવા બાળકોને ફરી શાળા સુધી પહોંચાડવાનું કાર્ય સફળ બની શકે છે.

 

મંત્રીશ્રીએ આ અભિયાનમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષણ મંત્રી  પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાએ અભિયાનને વેગ આપનાર મંત્રી રીવાબા જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા. સાથેજ ડી કે સ્વામી, ધારાસભ્ય જંબુસર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

(4:46 PM IST)