તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સગીરાને ત્રણ નરાધમ ઘેરી વળ્યા બળજબરી કરી ૧૦માં માળેથી ફેંકી દીધી!
પિતાને ટિફિન આપી પરત ફરી રહેલી માસૂમ બન્યા શિકારઃ અમદાવાદની શરમજનક ઘટના : ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર સાથે સગીરા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળઃ પોલીસે બે આરોપીઓની કરી અટકાયત

અમદાવાદ તા.૨૧: શહેરના નરોડા વિસ્તારમાં પિતાને ટીફીન આપવા ગયેલી સગીરા પર ત્રણ અજાણ્યા શખ્સોએ છેડતી અને હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડામાં આવેલી શ્યામ ઉપવન નામની નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર પોતાના પિતાને ટિફિન આપવા ગયેલી માસૂમ સગીરા પર ત્રણ નરાધમોએ હુમલો કર્યો હતો. ટિફિન આપીને પરત ફરી રહેલી સગીરાને ૧૦મા માળે અટકાવીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બનાવની વિગત અનુસાર, સગીરા જ્યારે ૧૦મા માળેથી નીચે ઉતરી રહી હતી ત્યારે ત્યાં કામ કરતા ત્રણ યુવકોએ તેને અટકાવી હતી. આરોપીઓએ સગીરા પાસે તેનો ફોન નંબર માંગ્યો હતો અને નંબર આપવા માટે કથિત રીતે ભારે દબાણ કર્યું હતું. જોકે, સગીરાએ ફોન નંબર આપવાની સ્પષ્ટ ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓએ સગીરાના બંને હાથ પકડી લીધા હતા અને તેની સાથે શારીરિક છેડતી કરવાનું શરૂ કર્યું હતું.
નરાધમોના ચંગુલમાંથી પોતાનો બચાવ કરવા માટે સગીરાએ ભારે મથામણ કરી હતી. પરંતુ, સગીરા પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ક્રોધિત થયેલા આરોપીઓએ તેને ઊંચકીને ૧૦મા માળેથી સીડીઓની વચ્ચે આવેલી ખાલી જગ્યામાંથી નીચે ફેંકી દીધી હતી. ૧૦મા માળેથી નીચે ફેંકાતા સગીરા લિફટ માટે રખાતી ખાલી જગ્યામાં ધડાકાભેર પટકાઈ હતી.
આ ભયાનક દુર્ઘટનામાં સગીરાના મોઢા પર તેમજ શરીરના અલગ-અલગ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. શરીરે અનેક જગ્યાએ ફ્રેક્ચર થઈ જતાં સગીરાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે સગીરાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી.
પિતાની ફરિયાદના આધારે નરોડા પોલીસે રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટા અને દિનેશ નીનામા નામના ત્રણ યુવકો સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દિનેશ નિનામા અને સુરેશચંદ્ર ચરપોટાની ધરપકડ કરી લીધી છે, જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી રાહુલ ડોડીયારને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
