તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
વિદેશમાં રાખડી મોકલવી મોંઘીઃ કુરિયર ભાડું ૫૦% વધ્યું: પાર્સલ માટે હવે ડબલ ખર્ચ
સપ્લાય ચેઇન ખોરવાતા હવાઈ-દરિયાઈ ભાડા વધ્યા અને કુરિયર કંપનીઓએ ફયુઅલ સરચાર્જ વધાર્યો : સ્થાનિક કુરિયર દર ૨૦-૩૦% અને આંતરરાષ્ટ્રીય દર ૪૦-૫૦% વધ્યા એરસ્પેસ બંધ હોવાથી વિમાનો લાંબા રૂટ લે છે અને શિપિંગ ફ્રેઈટ પણ વધ્યું

સુરત,તા.૨૦: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા સતત વધારાની સીધી આર્થિક અસર હવે સામાન્ય નાગરિકોના દૈનિક બજેટ પર પડી રહી છે. મધ્ય પૂર્વમાં ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી વણસેલી પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પરિણામે, હવાઈ અને દરિયાઈ વાહનવ્યવહારના ભાડા વધવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક કુરિયર સેવાઓના દર પણ આસમાને પહોંચ્યા છે.
કુરિયર ક્ષેત્ર સાથે છેલ્લા ૧૮ વર્ષથી સક્રિય રીતે સંકળાયેલા અને ક્ષેત્રના અનુભવી પ્રતિનિધિ મયુર જાનીના જણાવ્યા અનુસાર, ચાલુ યુદ્ધના લીધે વૈશ્વિક લોજિસ્ટિક્સ અને ફયુઅલ (ઇંધણ) સપ્લાય પર અત્યંત વિપરીત અસર પડી છે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલના દરો વધતા કુરિયર કંપનીઓએ 'ફયુઅલ સરચાર્જ'માં મોટાપાયે વધારો કરવાની ફરજ પડી છે. આ સ્થિતિના કારણે સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક કુરિયર દરોમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશો માટેના કુરિયર ચાર્જમાં ૪૦ થી ૫૦ ટકા સુધીનો આકરો ઉછાળો આવ્યો છે.
આ ભાવવધારાની સૌથી માઠી અસર વિદેશમાં વસતા ભારતીયો અને તેમના પરિવારજનો પર પડી રહી છે. ખાસ કરીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યુરોપના દેશોમાં પાર્સલ, રાખડી કે ભેટ-સોગાદો મોકલવાનો ખર્ચ બેગણો થઈ ગયો છે. ગત વર્ષ સુધી જે કુરિયર કે ગિફટ મોકલવા માટે રૂપિયા ૨,૦૦૦ થી રૂપિયા ૩,૦૦૦ નો ખર્ચ થતો હતો, તે જ વજનના પાર્સલ માટે હવે ગ્રાહકોએ રૂપિયા ૪૫૦૦ થી રૂપિયા ૫૫૦૦ સુધી ચૂકવવા પડી રહ્યા છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે પણ કુરિયરનો ખર્ચ વધી ગયો છે. જેનાથી આગામી તહેવારોની મોસમમાં મધ્યમવર્ગીય પરિવારો પર ભારે આર્થિક બોજ આવી પડ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધગ્રસ્ત વિસ્તારોની એરસ્પેસ બંધ હોવાને કારણે એરલાઇન્સને લાંબા અને વૈકલ્પિક રૂટ અપનાવવા પડે છે, જેનાથી વિમાની ઇંધણનો વપરાશ અને ઉડ્ડયન સમય બંને વધી ગયા છે. આ સિવાય દરિયાઈ માર્ગો પર સુરક્ષાનું જોખમ વધતાં શિપિગ કંપનીઓએ પણ ફ્રેઇટ ચાર્જ વધારી દીધા છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી ગ્રાહક સુધી સામાન પહોંચાડવાનો ડિલિવરી ખર્ચ પણ વધી ગયો છે.
જોકે, ભાડા અને ચાર્જિસમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં કુરિયર બુકિગના નિયમો કે પ્રક્રિયામાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ગ્રાહકો પોતાની સુવિધા અને જરૂરિયાત અનુસાર ૧૦૦ ગ્રામના નાના પેકેટથી લઈને ૧૦૦ કિલોગ્રામ સુધીનું વજન પહેલાની જેમ જ સરળતાથી બુક કરાવી શકે છે.
કુરિયર સંચાલકોના મતે, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા નહીં આવે અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી કુરિયર ભાડામાં ઘટાડો થવાની કે સામાન્ય જનતાને રાહત મળવાની શક્યતા નહિવત છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
