તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
‘વિકાસ પણ, વિરાસત પણ’ ના સંકલ્પ સાથે ગુજરાતમાં સંસ્કૃતનું મહા જનઅભિયાન : તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘સંસ્કૃત સપ્તાહ’ ની ભવ્ય ઉજવણી કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત આયોજન અંતર્ગત વહીવટીતંત્ર પણ બનશે ભાગીદાર : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યવ્યાપી ઉજવણીનો લેવાયો નિર્ણય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પિત તથા રાજ્યકક્ષાની ઉચ્ચસ્તરીય સ્થાયી સમિતિમાં નિર્ધારિત ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ અંતર્ગત તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય અને રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે સંસ્કૃત સપ્તાહને શાળા, મહાવિદ્યાલય અને યુનિવર્સિટી ત્રણેય સ્તરે તથા જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રની સક્રિય ભાગીદારી સાથે વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો અમલીકરણનો નિર્ણય:
આ આયોજનને સફળ બનાવવા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય ઓનલાઈન બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ, જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા યુનિવર્સિટીઓના કુલસચિવો જોડાયા હતા. આ ઉજવણી માત્ર શિક્ષણ વિભાગ પૂરતી મર્યાદિત ન રહેતા જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં અને તાલુકા કક્ષાએ મામલતદારની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવશે. જેમાં શિક્ષણ તંત્ર ઉપરાંત વહીવટીતંત્ર, સંસ્કૃતજ્ઞો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાઓ જોડાશે.
સંસ્કૃત સપ્તાહ દરમિયાન યોજાનારા દૈનિક કાર્યક્રમો:
તા. ૨૫ ઓગસ્ટ - સંસ્કૃત ગૌરવ યાત્રા: સંસ્કૃત ગીતો, સુભાષિતો, ગ્રંથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે શોભાયાત્રા યોજાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને નાગરિકોની ભાગીદારીથી મહોત્સવની શરૂઆત થશે.
તા. ૨૭ ઓગસ્ટ - સંસ્કૃત સંભાષણ દિવસ: શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ દૈનિક વ્યવહારમાં સંસ્કૃતનો ઉપયોગ કરશે અને સોશિયલ મીડિયા પર સંસ્કૃત સંદેશાઓનો પ્રસાર કરાશે.
તા. ૨૯ ઓગસ્ટ - સંસ્કૃત સાહિત્ય દિન: વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, મહાકાવ્યો અને સુભાષિતોનું વાચન, વ્યાખ્યાન, પુસ્તક પ્રદર્શન, કાવ્યપઠન અને નિબંધ સ્પર્ધાઓ યોજાશે.
તા. ૩૧ ઓગસ્ટ - સામૂહિક સુભાષિત પઠન દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ ઉલ્લેખિત ૧૦ પ્રેરણાદાયી સંસ્કૃત સુભાષિતોનું સામૂહિક પઠન કરાશે અને રાજ્યસ્તરીય સમાપન કાર્યક્રમ યોજાશે.
સંસ્કૃત એ જ્ઞાનપરંપરા અને રાષ્ટ્રીય ચેતનાનો સેતુ:
વડાપ્રધાનના સંસ્કૃત પ્રત્યેના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા તેમજ NEP-2020 ની જોગવાઈ મુજબ સંસ્કૃતને વિશેષ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે જણાવ્યુ હતું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ ભારતની જ્ઞાનપરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનો જીવંત સેતુ છે. પરિપત્ર બહાર પાડવો એ અંત નથી, પરંતુ દરેક શાળામાં પ્રવૃત્તિ થાય અને વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે જોડાય તે જ સાચી સફળતા છે. આ મહોત્સવ અંતર્ગત શ્લોકપઠન, ગીતા પઠન, નિબંધ-વક્તૃત્વ, પ્રદર્શન, સંસ્કૃત નાટ્ય અને ડિજિટલ સંસ્કૃત સર્જન સહિતના કાર્યક્રમો યોજાશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
