News of Thursday, 20th August 2026
સુરત સરકારી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રેગિંગના ત્રાસથી આત્મહત્યા કરનાર ડો. હર્ષ પંડ્યાના ન્યાય માટે મોડાસામાં કેન્ડલ માર્ચ યોજાઈ
શાંતિપૂર્ણ રેલીમાં સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી

સુરતની સરકારી મેડિકલ કોલેજ હોસ્ટેલમાં અતિશય રેગિંગના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મોડાસાના તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક આશાસ્પદ અને ભાવી તબીબે રેગિંગના રાક્ષસ સામે હારીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર તબીબી આલમ અને મોડાસા પંથકમાં અરેરાટી સાથે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
સુરતના વિવાદાસ્પદ આત્મહત્યા કેસ બાદ, બુધવારે મોડી સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વ. ડો. હર્ષ પંડ્યાના માનમાં એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. હર્ષના નિવાસસ્થાનેથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ મોડાસાના મુખ્ય ચાર રસ્તા ખાતે પહોંચી હતી. આ શાંતિપૂર્ણ રેલીમાં સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
આ કેન્ડલ માર્ચમાં માત્ર પરિવારજનો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મોડાસાના નગરજનો, મિત્રો અને મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા. લોકોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને મીણબત્તીઓ સાથે "ન્યાય આપો" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આખી કેન્ડલ માર્ચ દરમિયાન વાતાવરણ અત્યંત ગંભીર અને શોક રોષથી ભરેલું જોવા મળ્યું હતું.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
