<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગંદકી અને ભેળસેળ કરનારાઓ સામે AMC ની સર્જિકલ સ્ટ્રાઈક: અમદાવાદના ૧૧,૧૨૩ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સએ હવે રસોડામાં કેમેરા મુકી ગ્રાહકોને સીસીટીવી લાઈવ બતાવવું પડશે!

સૈજપુર બોઘા સ્થિત ફિઝિયોથેરાપી કોલેજના 'RKR કેટરર્સ' માં જીવાત અને લાયસન્સ વગરનું કામકાજ મળતાં કેન્ટીન સીલ : નિયમભંગ બદલ લાયસન્સ રદ કરવાની AMC ની કડક ચીમકી

અમદાવાદ: સૈજપુર બોઘામાં આવેલી મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની કેન્ટીન 'RKR કેટરર્સ' માંથી ૧૯ ઓગસ્ટે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન FSSAI લાયસન્સનો અભાવ, અત્યંત અસ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોમાં કીડીઓ તથા ધનેરા જેવી જીવાત મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશને તેને તાત્કાલિક ધોરણે સીલ કરી દીધી છે. આવી અસ્વચ્છતા અને વાસી-ભેળસેળયુક્ત ખોરાક આપનારા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક વલણ અપનાવતાં શહેરના તમામ ૧૧,૧૨૩ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.

**રસોડાની કામગીરી ગ્રાહકો સામે લાઈવ દર્શાવવી અનિવાર્ય:**
ગ્રાહકોને ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત કામગીરીમાં પૂર્ણ પારદર્શિતા મળે તે હેતુથી તમામ એકમોએ પોતાના રસોડામાં સીસીટીવી (CCTV) કેમેરા ગોઠવી તેનું લાઈવ પ્રસારણ રિસેપ્શન કાઉન્ટર અથવા ગ્રાહકોના બેસવાના સ્થાને મુકેલી સ્ક્રિન પર દર્શાવવાનું રહેશે. ગ્રાહકો પોતાની નજરે જ રસોડાની સફાઈ અને ખોરાક બનવાની પ્રક્રિયા જોઈ શકશે.

**FSSAI ની ગાઈડલાઈન્સ અને લાયસન્સ રદ કરવાની ચેતવણી:**
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે Food Safety and Standards Act, 2006 અને FSSAI ની માર્ગદર્શિકા અનુસાર દરેક એકમે રસોડાની સ્વચ્છતા, ફૂડ હેન્ડલર્સની પર્સનલ હાઈજીન, રાંધેલા અને કાચા ખોરાકનું અલગ સ્ટોરેજ, શુદ્ધ પાણીનો ઉપયોગ, સમયસર પેસ્ટ કંટ્રોલ અને કચરાનો યોગ્ય નિકાલ કરવો ફરજિયાત છે. ખોરાકને ધૂળ-જીવાતથી સુરક્ષિત રાખવા, નિયત કૂડ કલર્સ વાપરવા અને રસોઈ તેલનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગંભીર બેદરકારી કે વારંવારના ઉલ્લંઘનના કિસ્સામાં લાયસન્સ રદ કરી એકમો સીલ કરવામાં આવશે.

(7:19 PM IST)