તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ડોક્ટરથી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી સુધીની સફરઃ ડો. પ્રદ્યુમનભાઈ વાજાનો જન્મદિવસઃ શુભેચ્છાઓનો ધોધ
કોડીનારના ધારાસભ્ય અને ગુજરાતના શિક્ષણ-સામાજિક ન્યાય મંત્રીને રાજકીય-સામાજિક આગેવાનોની શુભકામનાઓઃ સાંસદ મયંક નાયકે પણ પાઠવી શુભેચ્છા

ગાંધીનગર, તા.૧૯: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ ગણુભાઈ વાજાનો ગઇકાલે તા.૧૮ને મંગળવારે જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે સવારથી જ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો તથા કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પણ ડો. પ્રદ્યુમનભાઈ વાજાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મયંક નાયક ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪થી રાજ્યસભાના સાંસદ છે. ડો. વાજાએ તેમની શુભેચ્છાનો પ્રતિભાવ આપતાં ‘શુભકામનાઓ બદલ આપનો ખૂબ ખૂબ આભાર' કહી આભાર વ્યક્ત કર્યો છે. ડો. પ્રદ્યુમનભાઈ વાજા વ્યવસાયે તબીબ રહ્યા છે અને ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. તેમણે એમબીબીએસ, ડીજીઓ અને એમડીનો અભ્યાસ કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરીને એલએલબી અને એલએલએમની પદવીઓ પણ મેળવી છે. રાજકારણમાં સક્રિય થતાં પહેલાં તેઓ સરકારી સેવામાં હતા. તેઓ અગાઉ ગુજરાત ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ સંભાળી ચૂકયા છે. વર્ષ ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોડીનાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. વર્ષ ૨૦૨૫માં ગુજરાતના મંત્રીમંડળમાં તેમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું. હાલમાં તેમની પાસે સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી છે. ગુજરાત સરકારની સત્તાવાર મંત્રીયાદીમાં પણ ડો. પ્રદ્યુમનભાઈ ગણુભાઈ વાજાને આ વિભાગોના કેબિનેટ મંત્રી તરીકે દર્શાવવામાં આવ્યા છે. તબીબી સેવા, ઉચ્ચ શિક્ષણ અને ત્યારબાદ જાહેરજીવનમાં પ્રવેશ કરનાર ડો. પ્રદ્યુમનભાઈ વાજાના જન્મદિવસે કોડીનાર-ગીર સોમનાથ સહિત રાજ્યભરમાંથી (મો.નં.૯૪૨૭૦ ૬૫૧૧૫) ઉપર શુભેચ્છાઓ વરસી હતી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
